ભુજ, શનિવાર:
કલેકટરશ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને આજરોજ કલેકટર કચેરી ભુજ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ૨૬ જાન્યુઆરી પર્વની ઉજવણી તથા ધોરડો ખાતે જી-૨૦ની બેઠકના આયોજન સંદર્ભે સંબંધિત તંત્રના અધિકારીઓને કલેકટરશ્રીએ માર્ગદર્શન આપીને તૈયારીઓ અંગે સુચના આપી હતી. આ સાથે જિલ્લાના વિવિધ પ્રશ્નો મુદે ચર્ચા કરવા સાથે તેના ત્વરીત નિવારણ હેતુ સંબંધિત તંત્રને કામગીરી કરવા જણાવાયું હતું ..
આજની બેઠકમાં ધારાસભ્યોશ્રીએ તાલુકાના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા જેનો ત્વરાએ નિકાલ સંબંધિત અધિકારીશ્રીઓને કલેકટરશ્રી દ્વારા તાકીદની સુચના આપવામાં આવી હતી.
ભુજ વિસ્તારના ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ દ્વારા બન્ની-પચ્છમાં પાણીની વકરતી સમસ્યા મુદે તંત્રનું ધ્યાન દોરીને તેનો ઉકેલ લાવવા માંગણી કરી હતી. તેમજ ખેડુતોએ વીજ કનેકશન માટે કોલ ભર્યા છતાં કનેકશન મળ્યા ન હોવાનો મુદો રજુ કર્યો હતો.
અંજાર વિસ્તારના ધારાસભ્યશ્રી ત્રિકમભાઇ છાંગાએ નાની નાગલપરમાં ઘર વપરાશના કનેકશન આપવા, નાગોરમાં જર્જરીત વાયરો તથા થાંભલા બદલવા, રસ્તાઓ પર આડેધડ બનતા બિનજરૂરી બમ્પ દુર કરીને જયાં જરૂરી છે તેને યોગ્ય સાઇઝના બનાવવા, રામપર(તુણા)માં પાણીની તંગી, મોડસરમાં તૈયાર ૬૬ કેવી સબ સ્ટેશન ઉપયોગમાં લેવા માંગણી કરી હતી.
રાપર વિસ્તારના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ રાપર તાલુકાના વિવિધ પ્રશ્નો તંત્રના ધ્યાને મુકયા હતા જેમાં ધાણીથરમાં જુના વાયરો અને થાંભલા બદલવામાં આવે તથા નવી ડી.પી નાખવાની માંગ કરાઇ હતી . તેમજ વિકલાંગોના ફિંગરપ્રિન્ટ ન આવતા આધારકાર્ડ બનવામાં પડતી મુશ્કેલી તેમજ રદ થયેલા આધારકાર્ડ તાત્કાલિક ફરી રીન્યુ કરી એક્ટીવ કરવા રજૂઆત કરી હતી. આ સાથે જ ફતેગઢ ડેમ તથા સુવઇ ડેમનું કામ તત્કાલ પૂર્ણ કરવા જેથી સિંચાઇનો પ્રશ્ન ઉકેલી શકાય. ખેતીવાડી કનેકશનના લાંબા સમયથી કોલ ભરાઇ ગયા હોવાંતા કાર્યવાહી કરાતી ન હોવાના મુદો, લાંબા સમયથી ૧૦ ૬૬ કેવી સબ સ્ટેશન મંજુર થયા છતાં જમીન સંપાદન કે લાઇન નાખવાનું કામ કરાયું ન હોવાથી તત્કાલ કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
રાપર શહેરથી કલ્યાણપર ગામ વચ્ચે ૬૬ કેવીનું નવું સબ સ્ટેશન સ્થાપવા, ટ્રાન્સફોર્મરની ઘટ નિવારવા, કંડલા બંદરથી પંજાબ જતાં ભારે વાહનોને પસાર કરવામાં સામખીયારી થી આડેસર સુધી વારંવાર લાઇટ કાપ મુકવામાં આવતો હોવાથી તત્કાલ તેનો ઉકેલ લાવવા, તેમજ તાલુકામાં ધરાશયી થયેલી નર્મદા કેનાલનું સમારકામ કરવા તેમજ ટેન્ડરની પ્રક્રિયા ચાલુ કેનાલે કરવા જેથી ખેડુતોને સવલત મળી રહે તેવી લાગણી વ્યકત કરી હતી.
ઉપરાંત અપમૃત્યુ અટકાવવા નર્મદા કેનાલમાં આવતા સાયફનમાં જાળી લગાવવા, આરએન્ડબી સ્ટેટ અને આરએન્ડબી પંચાયતના રોડના કામો મંજુર કામો તત્કાલ ચાલુ કરવા, પાણી પુરવઠા દ્વારા સુધારણા યોજનામાં મંજુર ૪૫ કરોડના તત્કાલ પૂર્ણ કરવા , એસ.ટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓના અગાઉ જે રૂટ હતા તે ચાલુ કરવા , તેમજ મુસાફરોની સરળતા માટે ભુજ – રાપર અને ભચાઉ-રાપર રૂટ પર એકસપ્રેસ અથવા નોન સ્ટોપ બસ સવારે વહેલી અને સાંજે મોડી મુકવા માંગણી કરી હતી. ભચાઉ તાલુકાના શીવલખા ગામે નર્મદા લાઇનમાંથી પીવાનું પાણી આપવા અને કોચરી ડેમ છુટો કરવા, રાપર-પલાસવા સીએચસીમાં ડોકટરોની ઘટ નિવારવા તેમજ શિક્ષકોની ઘટ નિવારવા સંબધિત વિભાગ સમક્ષ રજૂઆત કરી હતી.
જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી, કેશવજી રોશિયા દ્વારા કચ્છમાં મંજુર થયેલા અનુ.જાતિના સરકારી કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલયની જમીન પસંદગીની કામગીરી ત્વરીત કરવા ,ખાનગી શાળામાં અભ્યાસ કરતા અને બાકી રહેલા અનુ.જાતિના છાત્રોની પડતર અરજીમાં શિષ્યવૃત્તિની ચુકવણી ત્વરીત કરવા , દહિંસર રામપર રોડનું સમારકામ કરવા, તેમજ કચ્છની જે સુધરાઇમાં સામાજિક અને ન્યાય સમિતિની રચના નથી થઇ ત્યાં સમિતિનું ગઠન કરવા માંગણી કરાઇ હતી.
આ ઉપરાંત સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બનેલા રહેણાંક કર્વાટર શાળાના શિક્ષકોને સોંપવામાં આવે તેમજ હર્બલ સિરપના નામે વેંચાણ થતી બાટલીઓને રોકવા જરૂરી કાર્યવાહી કરાય તેવી રજૂઆત કરી હતી. જે સંદર્ભે કલેકટરશ્રીએ સંબંધિત વિભાગને યોગ્ય કાર્યવાહી કરવા સુચના આપી હતી.
બેઠકમાં રજૂ કરાયેલા તમામ પ્રશ્નો સંદર્ભે તત્કાલ કામગીરી કરવા કલેકટરશ્રી દ્વારા સંબધિત વિભાગને આદેશ કરાયો હતો તેમજ જરૂરી ચર્ચા કરીને તે અંગે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
સંકલનની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડ્યા, સર્વ પ્રાંત અધિકારીશ્રીઓ તથા તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …