અમદાવાદમાં સોમવારે લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રીએ પહોંચતા એક વર્ષ બાદ જાન્યુઆરીમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.આગામી 2 દિવસ દરમિયાન ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ રહ્યા બાદ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે.આ પહેલા ગયા વર્ષે 24 જાન્યુઆરીના રોજ સૌથી નીચું 6.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ તો 2016માં 25 જાન્યુઆરીના રોજ 7.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.આજે અને આવતીકાલે પણ શહેરમાં ઠંડીનો પારો 10 ડિગ્રીને આસપાસ રહેશે. 19 જાન્યુઆરીથી 3થી ચાર દિવસ દરમિયાન ઠંડીનું જોર ઘટવાની શક્યતા છે.
બીજી તરફ જમ્મુ-કશ્મીર અને લદ્દાખમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. દ્રાસમાં પારો માઈનસ 26 તો ગુલમર્ગમાં પણ તાપમાન માઈનસ 12 ડિગ્રી નોંધાયુ હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર, જમ્મુ-કશ્મીર અને લદ્દાખમાં 22થી 24 જાન્યુઆરી વચ્ચે ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. હિમવર્ષાના કારણે કુપવાડામાં રસ્તાઓ બંધ કરાયા હતા. તો ચોકીબલ-કેરન રોડ પર બરફને હટાવવાની કામગીરી કરીને રસ્તો શરુ કરાયો હતો. કશ્મીરના 12 જિલ્લામાં બરફના તોફાનનું અલર્ટ જાહેર કરાયું હતું કેટલાક વિસ્તારોમાં 48 કલાકમાં 3 વખત હિમસ્ખલન થયુ હતું. કેદારધામમાં બરફવર્ષાના કારણે ત્રણ ફૂટ સુધીના બરફના થર જામ્યા હતા.