રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ જેટલો વરસાદ તેમજ સુરત જિલ્લાના કામરેજ તાલુકા, પલસાણા તાલુકા અને સુરત શહેરમાં છ ઈંચથી વધુ વરસાદ નોંધાયાના અહેવાલો છે. આ ઉપરાંત તાપી જિલ્લાના નિઝાર તાલુકામાં ૫ ઇંચ, સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ૫ ઇંચ, નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં ૫ ઇંચ અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૨ જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૦ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ ૫૯ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં કુલ ૫૧ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૪૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૨૩ ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ ૨૪ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
જયારે પારડી, ઓલપાડ, બારડોલી, પાટણ – વેરાવળ, ગણદેવી, ખંભાત મળી કુલ છ તાલુકામાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે તેમજ ઉમરપાડા, કપરાડા, જામજોધપુર, વાલોડ, ધોળકા, જામનગર, વિસાવદર, જલાલપોર, વલસાડ, વાપી અને ખેરગામ મળી કુલ ૧૧ તાલુકામાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત ડોલવણ, સુત્રાપાડા, ઘોઘા, ચિખલી, વાલિયા, ધંધુકા, નેત્રંગ, માણાવદર, રાજુલા, વ્યારા, ભરૂચ, માંગરોળ અને નાંદોદ મળી કુલ ૧૩ તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તેમજ તલાલા, બાવળા, ચોરાસી, સાગબારા, તારાપુર, પોરબંદર, ડેડીયાપાડા, માંડવી, કરજણ અને ધરમપુર મળી કુલ ૧૦ તાલુકામાં દોઢ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોનગઢ, ધોરાજી, તિલકવાડા, ઝગડીયા, કેશોદ, જુનાગઢ શહેર, ભેસાણ, વંથલી મળી કુલ આઠ તાલુકામાં એક ઇંચ કરત વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ગરુડેશ્વર, ડાંગ- આહવા, કલ્યાણપુર, લાલપુર, ધારી, સિનોર, ઉના, ભાવનગર, વાંસદા, જોડિયા, કોડીનાર, વઘઈ, સાયલા, નડીયાદ, અમરેલી, ખેડા અને સોજીત્રા મળી કુલ ૧૭ તાલુકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.