સામાન્ય તાવ, શરદી કે કફ હોય તો દર્દી શોધવા માટે કલેક્ટરે મેડિકલ સ્ટોરમાં તાવ, શરદી અને કફની દવા લેનારની યાદી રાખવાની કડક સુચના આપી દીધી છે અને એપ્લિકેશન મારફતે દરરોજ શંકાસ્પદ દર્દીનું રજીસ્ટ્રેશન કરી તંત્રને જાણ કરવા કલેક્ટરે જાહેરનામું પ્રસિધ્ધ કરીને સુચના આપી છે.હવે આ યાદી પરથી આરોગ્ય તંત્ર દ્વારા શંકાસ્પદ દર્દીઓના કોરોના ટેસ્ટ કરશે તેમજ આવા શંકાસ્પદ દર્દીઓના રહેણાંક વિસ્તારની આસપાસ સર્વેલન્સ પણ કરશે.
વિદેશમાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ દિન પ્રતિ દિન ચિંતાજનકરીતે ફેલાઇ રહ્યો છે તો બીજીબાજુ જિલ્લા તંત્ર દ્વારા ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યું છે સાથે સંક્રમીતોને શોધવા માટે આરોગ્ય તંત્ર દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે .મેડિકલ સ્ટોરમાં કફ, શરદી, તાવ,ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફની દવા લેવા આવનાર વ્યક્તિ કે ગ્રાહકની નોંધ સરકાર દ્વારા બનાવવામાં આવેલી એપ્લિકેશનમાં રાખવા માટે કલેક્ટરે આદેશ કર્યો છે.તમામ મેડિકલ સ્ટોરના માલિકોને એપ્લિકેશનમાં દવા લેવામાં આવનાર દર્દીના નામ,સરનામું તથા મોબાઇલ નંબરની વિગત નોંધીને જિલ્લા આરોગ્ય તંત્રને જાણ કરવા સુચન કર્યું છે.આ માટે ડ્રગ વિભાગ દ્વારા પણ ૩૫૦ જેટલા મેડિકલ સ્ટોરને લેખિતમાં સુચના આપી દેવામાં આવી છે.
આ એપ્લિકેશનને આધારે હવે આરોગ્ય વિભાગ દ્વારા તાવ, કફ અને શરદી,ઉધરસ, ગળામાં બતરા તથા ડાયરીયાની દવા લેનાર ગ્રાહકના ઘરે મુલાકાત લેવામાં આવશે. અહીં શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દી કે ગ્રાહકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.