માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે પણ નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ માતા વૈષ્ણોદેવીના દરબારમાં ભક્તોના ધસારાને પહોંચી વળવા માટે શ્રાઈન બોર્ડ અને વહીવટીતંત્ર સતત પગલાં લઈ રહ્યું છે. આ વ્યવસ્થાઓ ચકાસવા માટે નિયમિત બેઠકો પણ યોજવામાં આવી રહી છે. તો સાથે, કોરોનાના સંભવિત ફેલાવાને પહોંચી વળવા માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
નવા વર્ષ પર માતા વૈષ્ણો દેવીના દર્શને ભક્તોની ભારે ભીડ જામે છે. જેને ધ્યાને રાખીને શ્રાઈન બોર્ડે માતા વૈષ્ણો દેવી મંદિરમાં કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે અનેક પગલાં લીધા છે. માતાના ભવન સુધી 500 જેટલા સીસીટીવી કેમેરા ભક્તો પર નજર રાખશે. રસ્તામાં વધુ ભીડ હોય તો બોર્ડના કર્મચારીઓ ભક્તોને રોકશે અને જ્યારે ભીડ ઓછી થશે ત્યારે ભક્તોને જવાનો મોકો મળશે. તીર્થયાત્રીઓની ભીડને ટાળવા માટે બોર્ડની અમલીકરણ ટીમો 30 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી ચાર દિવસ માટે ભવન ખાતે તૈનાત કરવામાં આવી રહી છે. દરરોજ 50,000 શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરી શકશે. કોરોના અંગે અધિકારીએ કહ્યું કે, તમામ હિતધારકોને મુસાફરોને સંભાળતી વખતે માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.