ગુજરાતના મોટા ભાગના જિલ્લા અને શહેરને આજે નવા ભાજપ-પ્રમુખ મળ્યા છે. ભાજપે 33 જિલ્લા અને મહાનગરપાલિકામાંથી પ્રમુખની યાદી તૈયાર કરી છે. આ સાથે વર્તમાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના કાર્યકાળ પૂર્ણ થતાં નવા ભાજપ પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થાય એવી શક્યતા છે. કચ્છ જીલ્લા ભાજપના અધ્યક્ષપદની વરણી માટે આજે પ્રદેશના અગ્રણી આઇ.કે.જાડેજા મેન્ડેટ લઇને કચ્છ આવી પહોંચ્યા હતા.અને તમામ હોદેદારોની ઉપસ્થિતિમાં નવા કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી.છેલ્લા થોડા સમયથી થતી ચર્ચા મુજબ કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખ તરીકે દેવજીભાઇ વરચંદની વરણી કરવામાં આવી હતી જેને ઉપસ્થિત સૌ આગેવાનોએ હર્ષભેર વધાવી લીધી હતી.દેવજીભાઇ વરચંદની આગેવાનીમાં કચ્છ જીલ્લા ભાજપે નગરપાલીકાઓ અને સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરેલ છે ત્યારે આજે તેમને ફરી એક વખત જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે તક આપવામાં આવેલ છે.
