Breaking News

સાપુતારા ખાતે અગામી તા. ૨૯ જુલાઈએ ‘મોન્સૂન ફેસ્ટિવલ’નો ઉદ્ઘાટન સમારંભ યોજાશે

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસનની સાથેસાથે સ્થાનિક રોજગારીને વધુને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી તા. ૨૯ જુલાઈના રોજ સવારે ૯.૦૦ કલાકે ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો ઉદ્ઘાટન સમારંભ યોજાશે. ગુજરાતમાં વર્ષ ૨૦૦૯થી યોજાતા મોન્સૂન ફેસ્ટિવલનું આ વર્ષે પ્રથમવાર મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમ, પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું.

પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ મોન્સૂન ફેસ્ટિવલ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા ચોમાસાની ઋતુમાં તા. ૨૯ જુલાઈ થી ૨૮ ઓગસ્ટ-૨૦૨૪ એમ એક માસ સુધી સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. બોટ હાઉસ ગ્રાઉન્ડ, સાપુતારા ખાતે તા. ૨૯ જુલાઇના રોજ યોજાનાર ઉદ્ઘાટન સમારંભમાં કાર્યક્રમની શરૂઆત પ્રવાસન નિગમની તોરણ હોટેલ સામેથી રંગબેરંગી પરેડથી થશે. જેમાં ડાંગના સ્થાનિક સંગીતના વાજિંત્રો, મનોરંજક પાત્રો, અલગ-અલગ વેશભૂષામાં પાત્રો, ડાંગી આદિવાસી નૃત્ય તેમજ વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરાશે. રંગબેરંગી પરેડ બાદ મુખ્ય અતિથિ ગણ સાપુતારા તળાવ પાસે તૈયાર કરવામાં આવેલ ડોમ ખાતે પધારશે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના અંતે સાપુતારા સર્કલ પાસે મુખ્યમંત્રીશ્રી ‘રેઇન રન મેરેથોન’નું ફ્લેગ ઓફ કરાવશે.

આ ઉપરાંત પ્રવાસીઓ ડાંગની સ્થાનિક સંસ્કૃતિ સાથે પરિચય કેળવે અને સ્થાનિક કલાકારોને પણ વધુ રોજગારી મળી રહે તે હેતુથી કાર્યક્રમના મુખ્ય ડોમ ખાતે શુક્ર-શનિ-રવિ-જાહેર રજાના દિવસે તેમજ સાપુતારા મેઇન સર્કલ અને ગવર્નર હિલ ખાતે સાંજના સમયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ સાથે આગામી જન્માષ્ટમીના દિવસે ખાસ દહીં-હાંડી કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને આજુબાજુમાં ૧૮ જેટલા મુખ્ય જોવાલાયક સ્થળો માણવા મળશે, જેમાં, ઇકો ટુરીઝમ કેમ્પ સાઈટ-મહલ, એક્વેરિયમ, ઇકો પોઇન્ટ, ગાંધર્વપુર આર્ટિસ્ટ વિલેજ, ગીરા ધોધ, ગવર્નર હિલ, હાથગઢનો કિલ્લો, મધમાખી કેન્દ્ર, સંગ્રહાલયો, નાગેશ્વર મહાદેવ મંદિર, પૂર્ણા અભયારણ્ય, રોઝ ગાર્ડન,સાપુતારા તળાવ, સાપુતારા આદિજાતિ સંગ્રહાલય, સ્ટેપ ગાર્ડન, સનરાઇઝ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ અને પ્રસિદ્ધ વાંસદા નેશનલ પાર્કનો સમાવેશ થાય છે. આ સાથે પેપર ક્રાફ્ટ વર્કશોપ અને તીરંદાજી પ્રેક્ટિસ સેશન, વરલી આર્ટસ, હેન્ડીક્રાફ્ટ અને ફોટોગ્રાફી એક્ઝિબિશન પણ પ્રવાસીઓને આકર્ષિત કરશે.

પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈએ જણાવ્યું હતું કે, સાપુતારાનું આહલાદક વાતાવરણ અને અહીંનું કુદરતી સૌંદર્ય હર હંમેશથી પ્રવાસીઓની પ્રથમ પસંદ રહ્યું છે. રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલના ફળશ્રુતિરૂપે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૨માં સમગ્ર વર્ષ દરમિયાન અંદાજે ૮.૧૬ લાખ જ્યારે વર્ષ ૨૦૨૩માં સાપુતારા ફેસ્ટિવલમાં ૨.૪૪ લાખથી વધુ સહિત એમ સમગ્ર વર્ષમાં કુલ ૧૧.૧૩ લાખ પ્રવાસીઓએ સાપુતારાની મુલાકાત લીધી હતી. આમ સાપુતારા ફેસ્ટિવલમાં પ્રવાસીઓના આગમનના પરિણામે ડાંગ અને તેના આસપાસના વિસ્તારોમાં રોજગારીની સાથે આવકના સ્ત્રોત વધ્યા છે જેથી જીવન સ્તરમાં સુધારો થયો છે.

પ્રવાસન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ‘ચેરાપુંજી’ તરીકે ઓળખાતા સાપુતારામાં દર વર્ષે ચોમાસામાં સરેરાશ ૨૫૫ સે.મી જેટલો વરસાદ પડે છે જેથી આ પ્રદેશમાં કુદરતી વનરાજી સોળે કલાએ ખીલી ઉઠે છે જે રાજ્ય-રાજ્ય બહારના પ્રવાસીઓને વિશેષ રીતે આકર્ષિત કરે છે.

ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા દરિયાની સપાટીથી લગભગ ૩,૦૦૦ ફૂટની ઉંચાઈએ આવેલું છે. ગુજરાત ટુરીઝમ દ્વારા સાપુતારાને ગેસ્ટહાઉસ, બગીચા, સ્વિમિંગ પુલ, બોટ ક્લબ, ઓડિટોરિયમ, રોપ વે અને મ્યુઝિયમ જેવી સુવિધા આપતું આયોજિત હિલ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાનાર ઉદ્ઘાટન સમારોહમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, વલસાડના સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન સહિત પ્રવાસન નિગમના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક હોદ્દાદારો-અધિકારીઓ, નાગરિકો સહભાગી થશે.

 મોન્સૂન ફેસ્ટિવલ માટે કેમ સાપુતારા જ…?
સાપુતારાના સર્વોચ્ચ બિંદુ પર આવેલો ટેબલટોપ પોઈન્ટ શાંત વાતાવરણ અને ઠંડા પવનોથી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. અહિં પ્રવાસીઓ ઘોડેસવારીનો અનુભવ પણ કરી શકે છે. જેમ સુર્યાસ્ત થાય તેમ પ્રવાસીઓ રોમાંચક રોપ વે રાઈડ માટે સનસેટ પોઈન્ટ તરફ ઉમટે છે. સાપુતારા તળાવના વિહંગમ નજારા સાથે કેબલકારની મુસાફરી પણ પ્રવાસીઓને રોમાંચક અનુભૂતિ કરાવે છે. આમ, પરિવાર અને મિત્રો સાથે ફરવા માટેનું સ્થળ શોધી રહ્યા હો તો સાપુતારાની મુલાકાત તમને મનમોહક દ્રશ્યો અને શાંત વાતવરણ સાથે યાદગાર અનુભવનું વચન આપે છે.

About JAYENDRA UPADHYAY

Check Also

અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડનો હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત વિકાસ થશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડને હાઈ સ્પીડ કોરીડોર અંતર્ગત વિકસાવવા માટે ૨૬૨.૫૬ કરોડ રૂપિયા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?