ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ કોલેરાએ કહેર મચાવ્યો છે. ગાંધીનગરના દહેગામમાં કોલેરાના રોગચાળાએ માથું ઊંચક્યું છે. છેલ્લા એક સપ્તાહમાં કોલેરાના 8 કેસ નોંધાયા છે. વકરતા કોલેરાના નાથવા માટે નગરપાલિકા સહિતનું તંત્ર કામે લાગ્યું છે. નગરપાલિકાના પ્રાદેશિક નિયામક આર.આર.ડામોરે દહેગામની મુલાકાત લીધી.પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર, તાલુકા આરોગ્ય અધિકારીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. હાલ દહેગામમાં સફાઈ, પાણીનું શુદ્ધીકરણ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણીના લીકેજ શોધી તેને રિપેર કરવા નવી પાંચ કિમી લાંબી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરાઈ છે. આરોગ્ય વિભાગે શહેરમાં સરવે કામગીરી અને ક્લોરિન ટેબલેટ વિતરણ શરૂ કર્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેન્કરથી પાણી પુરવઠો આપવામાં આવી રહ્યો છે.
