કચ્છમાં હીટવેવ તથા બળબળતા તાપ વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ ઓસર્યો નહોતો. બપોરના ધોમધખતા તાપમાં પણ વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો તથા બાળકોને સાથે લઇને મહિલા મતદારોએ બધા કામ પડતા મૂકીને પ્રથમ મતદાન કરવાની પવિત્ર ફરજ અદા કરી હતી.
ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અન્વયે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ઉનાળાની ગરમીમાં પણ મતદાન માટે મતદારોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. કચ્છના તમામ વિધાનસભા મતવિસ્તારના તમામ વયના મતદારો ગરમી વચ્ચે પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા હોંશે-હોંશે મતદાન મથક સુધી પહોંચ્યા હતા.
નખત્રાણા, દેવપર, સાંયરા(યક્ષ), વિથોણ, મંજલ વગેરે ગામના મતદારોએ મતદાન કરીને આનંદ સાથે જણાવ્યું હતું કે, લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનીને અમે સૌ હર્ષની લાગણી અનુભવીએ છીએ.
બાળકો સાથે આવેલી મહિલા મતદારોએ જણાવ્યું હતું કે, તમામ કામ પછી કરીશું, પણ મતદાન પ્રથમ કરીશું. જો આજે આ ફરજ નહીં નિભાવીએ તો દેશના વિકાસમાં અમારા સહયોગથી વંચિત રહી જઈશું. મહિલા મતદારો જાગૃત બનીને આજે રજાનો દિવસ ન ગણીને ફરજ દિવસ સમજીને પોતાના મતદાન બૂથ સુધી જરૂર પહોંચે તેમ તેમણે અપીલ કરી હતી.