સરહદી કચ્છ જિલ્લામાં આફ્ટર શોકનો સીલસીલો સતત યથાવત રહ્યો છે. છેલ્લી બે સદીમાં અનેક મોટા ભૂકંપના મારને સહન કરનાર ભૌગોલિક વિશેષતાઓ ધરાવતા કચ્છમાં લગાતાર નાના આંચકાઓ આવતા રહે છે. ત્યારે આજે પરોઢે 5.8 મિનિટે વધુ એક ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
ભુજ તાલુકાના દુર્ગમ ખાવડાથી 21 કિલોમીટર દૂર પશ્વિમ દિશાએ કેન્દ્રબિંદુ ધરાવતા 2.9ની તીવ્રતાના આંચકાની અસર આસપાસના વિસ્તારમાં વર્તાઈ ન હતી. પરંતુ સમયાંતરે ધરા ધ્રુજવાની ઘટનાના સમાચાર લોકોના મનમાં સલામતીને લઈ ઉચાટ પેદા કરતા રહે છે. છેલ્લા 10 દિવસમાં કચ્છની ધરા 2.9ના આંચકાથી બે વખત ધ્રુજી ઉઠી હતી. આ પૂર્વે ગત તા.4ના ભચાઉના નેર પાસે પણ 2.9ની તિવ્રતાનો આફ્ટર શોક અનુભવાયો હતો. સદભાગ્યે લઘુ અને મધ્યમ કક્ષાના આંચકા જાનમાલને નુકસાન કરતા હોતા નથી.