મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ખાવડા ખાતે નિર્માણાધીન ૩૦ હજાર મેગાવોટના સોલાર-વિન્ડ રિન્યુએબલ એનર્જી પાર્કની કામગીરીની પ્રગતિ નિરીક્ષણ માટે બુધવારે સવારે મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્કનું નિર્માણ ભારતની ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રસ્થાપિત કરવાના હેતુસર થઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ ગ્રીન-ક્લીન એનર્જી તથા પર્યાવરણ સુરક્ષા માટેના આપેલા વિઝનને સાકાર કરતો આ હાઇબ્રિડ પાર્ક અંદાજે રૂ. ૧.૫૦ લાખ કરોડના ખર્ચે નિર્માણ પામશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ રિન્યુએબલ એનર્જી પાર્કની કામગીરી સાથે સંકળાયેલા નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ, NTPC, GIPCL, GSEC જેવા કેન્દ્ર-રાજ્ય સરકારના સાહસો દ્વારા હાથ ધરાઈ રહેલી કામગીરીનો ઝીણવટપૂર્વક રિવ્યુ ઉચ્ચસ્તરીય બેઠકમાં કરીને વિગતો મેળવી હતી.
ઉર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, ઊર્જા અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, રાજ્ય સરકારના સચિવો તથા સંબંધિત જાહેર સાહસોના વરિષ્ઠ અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ રિન્યુએબલ એનર્જી પાર્કમાં જનરેટ થનારો પાવર ગુજરાત સહિત દેશના અન્ય વિસ્તારોને વેળાસર મળતો થાય અને વડાપ્રધાનશ્રીની હરિત ઊર્જાની સંકલ્પના સાકાર થાય તે દિશામાં કાર્યરત રહેવા અધિકારીઓને પ્રેરક સૂચન કર્યુ હતું.
તેમણે પાવર જનરેશનથી લઇને ઇવેક્યુએશન અને ટ્રાન્સમીશનાં સમયબદ્ધ આયોજન તેમજ પૂલીંગ સ્ટેશન, ટ્રાન્સમીશન લાઈન વગેરે અંગે પણ બેઠકમાં જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાના એક એવા આ પ્રોજેક્ટની કાર્ય પ્રગતિ માટેનું સંકલન ઊર્જા વિભાગ સમયાંતરે સમીક્ષા બેઠક યોજીને કરે તેવું સૂચન પણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી અને ઉર્જામંત્રીશ્રી સહિત સૌ વરિષ્ઠ સચિવો ખાવડા નજીક કચ્છ સરહદે ધર્મશાળા પાસે અંદાજે ૭૪,૬૦૦ હેક્ટરમાં ફેલાયેલા આ રિન્યૂએબલ એનર્જી પાર્કના સ્થળની પણ મુલાકાત લીધી હતી.
ગુજરાતને વિશ્વખ્યાતિ અપાવતા વિવિધ વિકાસ પ્રોજેક્ટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં આકાર પામી રહ્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ડ્રીમ પ્રોજેક્ટસની સ્વયં સ્થળ મુલાકાત લઈ કામગીરી, પ્રગતિનું નિરીક્ષણ અને જરૂરી માર્ગદર્શનનો ઉપક્રમ હાથ ધર્યો છે.
તદઅનુસાર, તેમણે તાજેતરમાં મેટ્રો રેલ ફેઝ-૨, ધરોઇ એરિયા ડેવલપમેન્ટ અને ધોલેરા SIRની સ્થળ મુલાકાત કરી હતી. એ જ શૃંખલામાં આગળ વધતાં મુખ્યમંત્રીશ્રીએ કચ્છનાં ખાવડામાં નિર્માણાધિન આ વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્કની બુધવારે નિરીક્ષણ મુલાકાત લીધી હતી.