કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આજરોજ કલેકટર કચેરી ભુજ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં લોકહિતને લગતા વિવિધ પ્રશ્નો મુદે ચર્ચા કરવા સાથે તેના ત્વરીત નિવારણ હેતુ સંબંધિત તંત્રને સુચના આપવામાં આવી હતી.
આજની બેઠકમાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ ભુજના મહત્વના રેલવે સ્ટેશન રોડને કોરીડોર તરીકે વિકસાવવા, ભુજ સહિત અન્ય પાલિકાક્ષેત્રમાં રીંગરોડ સહિતના રોડ અન્ય જવાબદાર વિભાગને સુપ્રત કરવાની રજૂઆત તેમજ સુચિત કામો ત્વરાએ પૂર્ણ અધિકારીશ્રીઓને જણાવ્યું હતું .
આજની બેઠકમાં ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલે ભુજની ફરતે આવેલા રીંગરોડનું મેનટેનન્સ જે તે જવાબદાર ઓથોરીટીને ટ્રાન્સફર કરવા સાથે રૂદ્રમાતા બ્રીજને લઇને થતી મુશ્કેલીને અંગે આનુસંગિક રજૂઆત કરી હતી.
ધારાસભ્યશ્રી ત્રિકમભાઇ છાંગાએ સુરજપરની રેવન્યુ સીમામાં નિયત કરવા, લીલાશા કુટિયા રેલવે અંડરબ્રીજની જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ કરવા, ચુબડક અને રતનાલ ખાતે મંજૂર થયેલા ૬૬ કે.વી સબ સ્ટેશનનું કામ શરૂ કરવા સહિતની રજૂઆતો કરી હતી.
ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ ગેડી કેનાલ, જર્જરીત શીવગઢ પ્રાથમિક શાળા , ગાગોદર સબ બ્રાન્ચ કેનાલનું સાયફનનું કામ પૂર્ણ કરવા તથા માટી કાઢવા , ડાવરી સબ ડિસ્ટ્રીક કેનાલનું કામ પૂર્ણ કરવા, ખાંડેક થી મોમાયમોરા તથા દેવીસરની પેટા કેનાલમાં રીપેરીંગ, ગાગોદર પાસે નર્મદા કેનાલની સાયફનનું કામ પૂર્ણ કરી પેટા કેનાલ ચાલૂ કરવા, તેમજ ભરાયેલી માટી સાફ કરવા તેમજ કેનાલમાં સમારકામ કરવા સાથે ભચાઉ તાલુકાના લુણણા, ચોપડવા સહિતના ગામોને નર્મદાનું પાણી મુદે રજૂઆતો કરી હતી. આ ઉપરાંત નિવૃત આંગણવાડી વર્કરોના પ્રશ્નો, રાપરના બંધ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલુ કરવા, મંજૂર ડેમની કાર્યવાહી આગળ વધારવા, મંજૂર રસ્તાના કામ ચાલૂ કરવા સહિતના પ્રશ્નો મૂકયા હતા.
ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાએ નખત્રાણા ખાતે બંધ રેલવે બુકીંગ ચાલૂ કરવા, મંજૂર ડેમની સંપાદન પ્રક્રીયા ઝડપી કરવા, કેનાલો, મંજૂર રસ્તા – પાપડી તથા પંચાયતના મકાન બનાવવાના કામો ત્વરાએ ચાલૂ કરવા, ખેડૂતોને પુરતૂ ખાતર આપવા, પશુઓના રોગચાળામાં લાલ દવા આપવા, બોર્ડર પરના કેમ્પો પર પીવાનુ પાણી પુરૂ પાડવા, અબડાસા, નખત્રાણા તથા લખપત તાલુકામાં પીવાનું પાણી પુરૂ પાડવા, લો-વોલ્ટજની સમસ્યા નિવારવા, જીઆઇડીસીમાં બાકી પ્લોટોમાં નામ ટ્રાન્સફરની કામગીરી કરવા, વંગમાં સિંચાઇનું પાણી આપવા, ખેતી વિષયક વીજળીના સમારકામો કરવા સહિતની રજૂઆતો કરવામાં આવી હતી.
માંડવી મત વિસ્તારના ધારાસભ્યશ્રી અનિરુધ્ધભાઇ દવેએ માંડવી તાલુકાની ગૈાચર જમીન આઇડેન્ટીફાઇ કરવા, માંડવી બાયપાસ રસ્તાનું કામ શરૂ કરવા, જૂના બ્રીજ રાહદારીઓ માટે ચાલૂ કરવા, બીદડામાં પાણીની સમસ્યા દૂર કરવા, રામાણીયાનું ગામતળ નીમ કરવા, કાંડગરા મોટાના નવા પીએચસીનું કામ કરવા, નાની ખાખર ખાતેના હાઇસ્કૂલના ઇમારતનું કામ કરવા, સબકેનાલના કામ શરૂ કરવા જયાં સબકેનાલ બની ગઇ છે ત્યાં ધર બેસાડવા, લુડવાના સ્કાય યોજાના ફીડરનું મેઇન્ટનન્સ કરવા, ખેડૂતોની લીધેલા પાક સાથે ઝાડની સંખ્યા સહિતની માહિતિ લીલા સેડામાં ચડાવવા, જુના જામથડાની મંજૂર કેનાલનું કામ કરવા, બિપરજોયના ભુજપુર અને ઝરપરાના ૫૫ અસરગ્રસ્તોને બાકી વળતર આપવા સહિત પડતર પ્રશ્નોની રજૂઆત કરી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, અધિક કલેકટરશ્રી આર.કે.ઓઝા, પશ્ચિમ કચ્છ એસ.પી શ્રી મહેન્દ્ર બગડીયા, પૂર્વ કચ્છ એસ.પી શ્રી સાગર બાગમારે, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી કુંવરબેન મહેશ્વરી, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.