આજે રાત્રે જેમિનીડ મીટિઅર શાવર તેના પીક પર હશે, જે 15 ડિસેમ્બરની સવાર સુધી આકાશમાં દેખાશે. આ ખગોળીય ઘટનાને જોવા માટે તમારે કોઈ ખાસ સાધનોની જરૂર પડશે નહીં. મોટાભાગની ઉલ્કાવર્ષા ત્યારે થાય છે જ્યારે એસ્ટરોઇડ અથવા ધૂમકેતુના નાના અવશેષો પૃથ્વીના વાતાવરણમાં ઉચ્ચ ઝડપે પ્રવેશ કરે છે અને આકાશમાં પ્રકાશ પાડે છે.
ઇન ધ સ્કાય અનુસાર, 14 ડિસેમ્બરે સાંજે 6.53 વાગ્યાની આસપાસ નવી દિલ્હીમાં ઉલ્કાવર્ષા દેખાવાનું શરૂ થશે, જ્યારે તેના રેડિયન્ટ પોઇન્ટ પૂર્વીય ક્ષિતિજથી ઉપર આવશે. આ શાવર બીજા દિવસે સવારે 6.36 વાગ્યા સુધી જોઈ શકાશે. પોતાના પીક પર આકાશમાં પ્રતિ કલાક 150 ઉલ્કાઓ હોઈ શકે છે. એટલે કે દર મિનિટે 2-3 ઉલ્કાઓ જોઈ શકાય છે.જેમિનીડ ઉલ્કાવર્ષા ત્યારે થાય છે જ્યારે પૃથ્વી એસ્ટરોઇડ ‘3200 ફેથોન’ના કાટમાળમાંથી પસાર થાય છે. ‘3200 ફેથોન’ને ‘રોક કોમેટ’ પણ કહેવામાં આવે છે. ફેથોનના ધૂળના કણો લગભગ 34 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે પૃથ્વીના વાતાવરણમાં અથડાય છે અને આકાશમાં ચમક પેદા કરે છે. તેને સામાન્ય ભાષામાં ફોલિંગ સ્ટાર અથવા શૂટિંગ સ્ટાર પણ કહેવામાં આવે છે.