કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિ અંગે જાણકારી મેળવવા નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ભચાઉ સર્કિટ હાઉસ અને પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. વાવાઝોડા બાદ કચ્છમાં નુકસાન, સરવેની કામગીરી, પાણી પુરવઠા અને વીજ રિસ્ટોરેશનની કામગીરી, ઘાસ વિતરણ, સહાયની ચૂકવણી વગેરે બાબતો વિશે નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવી હતી. કચ્છ મોરબી સાસંદશ્રી વિનોદભાઈ ચાવડા, રાપરના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા અને ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ પણ નાણાંમંત્રીશ્રીને વર્તમાન પરિસ્થિતિથી અવગત કરાવ્યા હતા.
આ સમીક્ષા બેઠકમાં કચ્છ કલેક્ટરશ્રી અમિત અરોરાએ પણ સ્થાનિક તંત્રની કામગીરીનો ચિતાર નાણાંમંત્રી સમક્ષ રજૂ કર્યો હતો. બેઠકમાં સ્થાનિક પદાધિકારીશ્રીઓ, ભચાઉ પ્રાંત અધિકારીશ્રી બાલમુકુન્દ સૂર્યવંશી, મામલતદારશ્રી જે.એચ.પાણ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ વાવાઝોડા બાદની પરિસ્થિતિનો તાગ મેળવવા કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિક તંત્ર સાથે બેઠક યોજશે. તેઓ ૨૦ જૂનના રોજ સવારે ૯.૦૦ કલાકે ગાંધીધામ ખાતે બેઠકમાં હાજરી આપશે. ત્યારબાદ ૧૦.૦૦ કલાકે અંજાર ખાતે બેઠકમાં ઉપસ્થિત રહેશે. સવારે ૧૧.૦૦ કલાકે મુન્દ્રા જવા રવાના થશે અને મુન્દ્રાના વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. તેઓશ્રી બપોરે ૧૨.૪૫ કલાકે ભુજ ખાતે જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજીને વાવાઝોડા બાદની પરિસ્થિતિનો સમીક્ષા કરશે.