આજે પણ ગુજરાતમાં લગ્ન માટે સાટા પદ્ધતિનો રિવાજ છે. આ રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે. જેમાં બે પરિવારો સામસામે દીકરા-દીકરી આપવાનો વહેવાર કરે છે. જે ઘરમાં દીકરી આપવાની હોય તે પરિવારની દીકરીને વહુ તરીકે આપણા ઘરમાં લાવવી એટલે સાટા પદ્ધતિ. આ રીતમાં સામસામે લગ્ન થાય છે. એક હાથથી દીકરી આપવી અને બીજા હાથથી દીકરી લેવો એવો સાટાનો નિયમ છે.
જો લગ્ન સારા ચાલે તો બંને લગ્ન સારા ચાલે. પરંતું જો એક પણ લગ્નમાં ડખો થાય તો બીજી લગ્નને અસર પડે છે. એટલે કે એકના ઘર ભાંગે તો બીજાનું ઘર પણ ભાંગે. આવા કેસમાં વડીલો સમાધાન કરાવવા વચ્ચે પડે છે. પરંતુ બધુ સમસૂતરુ પાર ન પડે તો એકસાથે ચાર જિંદગી પર અસર પડે છે.
ઉત્તર ગુજરાતમાં સાટા પદ્ધતિ સૌથી વઘુ પ્રચલિત છે. જેમાં પાટીદાર સમાજ, રબારી સમાજ, પ્રજાપતિ સમાજ, નાઈ સમાજમાં આજે પણ સાટા પદ્ધતિથી લગ્નો કરાવાયા છે.
કેટલાક સમાજમાં દીકરીઓની ઘટ છે. જેથી અનેક પરિવાર આ રીતે લગ્ન કરાવે છે. સામસામે દીકરી આપવાથી બે પરિવારો ખુશ રહે છે. પરંતુ આ સાથે જ આ રિવાજના નેગેટિવ પોઈન્ટ પણ છે. જો સાટા પદ્ધતિથી લગ્ન કર્યા બાદ કોઈનું પણ લગ્નજીવન ભાંગે, તો બીજાનું પણ આપોઆપ ભંગાય છે. બે પરિવારો વચ્ચે કડવાશ આવે છે. એકસાથે ચાર જિંદગીઓ પર અસર થાય છે. અનેક કિસ્સાઓમાં એવુ જોવા મળ્યું છે કે, સામેનું પાત્ર ગમતુ ન હોય છતાં લગ્ન કરવા પડે છે. આવામાં સંબંધોમાં કડવાશ આવે છે.
આ પ્રથા શરૂ થવાનું સોશિયો-ઇકોનૉમિક કારણ પણ હતું. પહેલા લગ્નમાં દહેજ પ્રથા હતી, જે બંધ કરવા માટે આ પ્રથા બહુ જ કારગત નીવડી હતી. સામસામે લગ્ન થાય તો દહેજથી બચી શકાય એમ હતું. અને જો સંપત્તિ જો દહેજમાં અપાઈ હોય તો એ કુટુંબમાં જળવાઈ રહે. આવા આશયથી પ્રથા શરૂ થઈ હતી.