રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું સકારાત્મક રીતે ઝડપી નિવારણ આવે તે માટે સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા લોકભિમુખના વહીવટના વીસ વર્ષ પૂર્ણ થયા છે જેની ઉજવણી કરાઈ રહી છે. જે અનુસંધાને કચ્છ જિલ્લાના ભુજ તાલુકાનો સ્વાગત કાર્યક્રમ તાલુકા કચેરીએ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમમાં અરજદારોને રૂબરૂ આમંત્રિત કરીને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ તેમના પ્રશ્નોને સાંભળ્યા હતા. અરજદારોએ પાણી વિતરણ, તળાવોની કામગીરી, ગટર વ્યવસ્થા, ગામની મકાન નોંધણીની અરજી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ, પશુ દવાખાનામાં તબીબની નિમણૂક, રોડ રસ્તાના કામો, ખાણ ખનીજ વિભાગને લગતી ફરિયાદો, આરોગ્ય સુવિધાઓ, મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડ, શાળામાં ઓરડાનું નવીનીકરણ, એસટી બસની સેવા, બીએસએનએલના નેટવર્કની સમસ્યા, કેનાલની કામગીરી, વીજળી વિતરણ, પ્રધાનમંત્રી આવાસ યોજના મંજૂરી, કાયલા ડેમ બનાવવાની રજૂઆત, અંત્યોદય યોજના, સસ્તા અનાજની દુકાન, પડતર જમીનની ખેતી માટે ફાળવણી, પ્રોપર્ટી કાર્ડ, દબાણ દૂર કરવા તેમજ લેન્ડ ગ્રેબિંગ કાયદા તળે કાર્યવાહી કરવા સહિતના પ્રશ્નોને સાંભળ્યા હતા.
તાલુકા કચેરીમાં કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૪૫ અરજીઓ આવી હતી. જેમાં તાલુકાકક્ષાએ ૪૧ જેટલી અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે ૩ જેટલી અરજીઓને જિલ્લાકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ આગામી સમયમાં પણ નાગરિકોને કોઈપણ જાતની તકલીફ ના પડે તે રીતે સુચારું આયોજન કરીને કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો.
આ સ્વાગત કાર્યક્રમમાં ભુજ પ્રાંત અધિકારીશ્રી ડૉ.મેહુલ બરાસરા, ભુજ ગ્રામ્ય મામલતદારશ્રી વિવેક બારહટ, ભુજ શહેર મામલતદારશ્રી કલ્પનાબેન ગોંદિયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.આર.ઝનકાંત સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦