આઈઆઈટીના વિદ્યાર્થીએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સેમેસ્ટ૨-4માં અભ્યાસ કરતાં 19 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થીએ અચાનક જીવન ટૂંકાવી લેતાં કેમ્પસમાં સન્નાટો વ્યાપી ગયો છે. બનાવની જાણ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટના અંગે રેલવે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આઈઆઈટીઈ કોલેજના સેમેસ્ટર-4માં 19 વર્ષીય કેશવ સંદિપભાઈ ખેતીયા અભ્યાસ કરતો હતો. ખેતીયા મૂળ જામ ખંભાળીયાના દેવભૂમી દ્વારકાનો વતની હતો. તે છેલ્લા કેટલાક સમયથી સેક્ટર-14 ખાતે ભાડાના મકાનમાં રહીને આઈઆઈટીમાં અભ્યાસ કરતો હતો. આજે ગાંધીનગર રેલવે સ્ટેશનથી નજીકના અંતરે ચાલીને જઈ રહેલા આ વિદ્યાર્થીએ દિલ્હી મેલ ટ્રેન નીચે પડતું મૂકી દેતાં કેશવનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.
ગાંધીનગર સિવિલ ખાતે યુવકના મૃતદેહની પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જયારે સાથી વિદ્યાર્થીઓની વાતચીતમાં કેશવને ઓછી હાજરીને કારણે પરીક્ષા આપવા દેવામાં ન આવતા આઘાતમાં અંતિમ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યુ હતું.
ખંભાળીયા પંથકના બ્રહ્મ અગ્રણીનાં યુવાન પુત્રના આપઘાતથી બ્રહ્મ સમાજમાં શોકની લહેર છે. ખંભાળીયા હોમગાર્ડ કમાન્ડીંગ ઓફિસર તથા દ્વારકા જિલ્લા બ્રહ્મ વિકાસ પરિષદના પ્રમુખ સંદિપભાઇ ખેતીયાના 19 વર્ષીય પુત્ર કેશવે ગાંધીનગરમાં ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવતા પરિવારના માથે આભ તૂટી પડ્યું છે.