સોરઠની ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિનિધિત્વ કરતા શ્રાવણીયા મેળાઓ

by JAYENDRA UPADHYAY
0 comments

પવિત્ર શ્રાવણ માસમાં સમગ્ર સોરઠ પંથકમાં આજે અનેક મેળાઓનું આયોજન થતું હોય છે પરંતુ આ મેળાઓ આજથી નહીં પરંતુ વૈદકાલીન સમયથી યોજાતા આવ્યા છે, જેમાં ત્રણ મેળાઓ સૌથી વધારે લોક પ્રચલિત અને લોકોને હૈયે વસેલા હતા તેવા માધવપુરનો મેળો, ભવનાથનો મહાશિવરાત્રીનો મેળો અને સુરેન્દ્રનગર ત્રિનેત્રેશ્વર મહાદેવની સમીપે યોજાતો તરણેતરનો મેળો અને ચોથો મેળો વૌઠાનો જેમાં ગદર્ભની ખરીદી થતી હોય છે. આ ચાર મેળાઓ સૌરાષ્ટ્રમાં ખૂબ જ મહત્વ ધરાવતા હતા. ચાલો જાણીએ આધુનિક યુગમાં યોજાતા આવતા પારંપરિક અને નવા લોકમેળા એટલે કે લોક ઉત્સવનો ઇતિહાસ.શ્રાવણ મહિનામાં સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં મહાદેવની સાથે જો કોઈની બોલબાલા હોય તો તે છે મેળા એટલે કે શ્રાવણ મહિનાના દિવસોમાં આયોજિત થતાં લોક ઉત્સવ અને સૌરાષ્ટ્રમાં મેળાની પરંપરા વૈદકાલીન સમયથી સતત જોવા મળે છે. વૈદ કાલીન સમયમાં સોરઠ પંથકમાં નાના-મોટા મળીને કુલ 14 જેટલા મેળાઓ યોજતા હતા, જેમાં ત્રણ મેળાઓ લોકોના હૈયે વસેલા હતા જે આજે પણ આયોજિત થતા આવે છે. જેમાં માધવપુરનો મેળો, ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો અને સુરેન્દ્રનગર નજીક ત્રિનેત્રેશ્વર મહાદેવના સમીપે આયોજિત થતો તરણેતરનો મેળો. આ સિવાય અમદાવાદના ધોળકા નજીક વૌઠાનો મેળો કે જે ખાસ ગદર્ભો માટે આયોજિત થાય છે. આ મેળાઓ વૈદ કાલીન સમયથી આયોજિત થતા રહ્યા છે અને આજે આધુનિક સમયમાં પણ એ જ પરંપરા સાથે આયોજિત થઈ રહ્યા છે.સોરઠ પંથકમાં આયોજિત થતાં ચાર મેળાઓ પૈકી અમરાપુર નજીક કાળાસરા દેવનો મેળો ભાદરવા મહિનામાં આયોજિત થાય છે તો ગાંગેચા નજીક આવેલ ગાંગનાથ મહાદેવ સમીપે યોજાતો ગાંગનાથનો મેળો મોટી ધણેજ નજીક યોજાતો, ધનવંતરીનો મેળો અને ભિયાળ નજીક યોજાતો લાલવડનો મેળો આજે પણ ખૂબ જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે.નવાબના સમયમાં ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીના મેળાની જાહેરાત જુનાગઢ ગેઝેટ દસ્તુર-ઉલ-અમલમાં કરવામાં આવતી હતી અને જેમાં પ્રત્યેક જૂનાગઢ રાજ્યના લોકોને મેળામાં આવવાનું આમંત્રણ આપવામાં આવતું હતું. આ મેળામાં લોકજાગૃતિની સાથે મનોરંજન અને નાટકો તેમજ જે તે સમયે હાથથી ચલાવવામાં આવતા ચકડોળ પણ મેળામાં આવનાર લોકોના મનોરંજનનું માધ્યમ બનતા હતા. મેળામાં આવનાર પ્રત્યેક વ્યક્તિને નવાબ દ્વારા ભોજનની વ્યવસ્થા પણ વિનામૂલ્યે કરવામાં આવતી હતી.ભાયાવદર નજીક ડાકણિયા ડુંગર પર ખોડિયાર માતાજીના મંદિરે ભાદરવા સુદ ત્રીજીથી મોટી ઋષિ પાચન સુધી ત્રણ દિવસનો ધાર્મિક ઉત્સવ યોજાય છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે છે. આવી જ રીતે મોરબીના વાંકાનેર નજીક જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં પણ શ્રાવણ માસના બીજા સોમવારે લોક ઉત્સવનું આયોજન થાય છે જેમાં પણ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. દ્વારકા નજીક પીડારા ખાતે દેશી મલ કુસ્તીનો મેળો અનોખી રીતે આયોજિત થાય છે જેમાં દ્વારકા પોરબંદર અને જામનગર જિલ્લાના કુસ્તીવીરો ભાગ લેતા હોય છે. આ મેળામાં લોકગીતો, રાસ, વિવિધ પ્રાચીન અને અર્વાચીન ગરબાઓ પણ સમાવેશ થતો હોય છે. કચ્છના નખત્રાણા નજીક દેવાપર પાસે મોટાયક્ષનો ભાતીગળ લોકમેળો યોજાય છે, જે કચ્છનો સૌથી મોટો મેળો હોવાનું પણ સામે આવ્યું છે. આ મેળો લોકોની રોજગારી માટેનું સાધન પણ બની રહે છે. અહીં યક્ષદેવને ખીર અને મીઠા ભાતનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.કચ્છના રાપર નજીક રવેચી માતાના મંદિરે પરંપરાગત મેળાનું આયોજન થાય છે જેમાં આહિર રબારી પટેલ અને અન્ય જ્ઞાતિના લોકો પરંપરાગત વેશ પરિધાન અને આભૂષણો સાથે સજ્જ થઈને મેળામાં આવતા હોય છે.સુરેન્દ્રનગરના થાનગઢમાં આયોજિત સૌથી પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવના મેળામાં યુવાધન ખાસ આકર્ષિત થતો હોય છે. આ મેળામાં રંગબેરંગી છત્રીઓ વિખ્યાત બનતી હોય છે. યુવાનો અવનવા વેશ – પરિધાન કરીને ઘોડા અને બળદગાડામાં સવાર થઈને આ મેળાને માણવા માટે પહોંચતા હોય છે. તરણેતરનો મેળો ન માત્ર ગુજરાત ભારત પરંતુ વિશ્વના પર્યટકોને પણ આકર્ષિત કરે છે. ભુજના કોટડા નજીક ભેડીયા ડુંગર પર મોમાઈ માતાજીના મંદિરે ખાસ મેળાનું આયોજન થાય છે, તેમાં માલધારીઓ પોતાના ઊંટને માતાજી સમક્ષ નમાવવા માટે આવતા હોય છે. એક વખત ઊંટ માતાજીના દર્શન કરાવવાથી તે આખું વર્ષ તંદુરસ્ત રહે છે તેવું મેળાનું મહત્વ છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક બિરાજમાન વાસુકી દાદાના મંદિરે નાગ પાંચમના દિવસે મેળાનું આયોજન થતું હોય છે. ધ્રોલ નજીક ભૂચર મોરીના ઐતિહાસિક મેદાનમાં શ્રાવણ મહિનાની તેરસ ચૌદસ અને અમાસ એમ ત્રણ દિવસ માટે લોક ઉત્સવનું આયોજન થતું હોય છે, જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ થાય છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો મેળો માણવા માટે આવતા હોય છે.બાબરા નજીક પાંડવોના સમયમાં બનાવવામાં આવેલ બ્રહ્મકુંડની જગ્યામાં આજે પણ ભાદરવી અમાસથી ત્રણ કે પાંચ દિવસના લોકમેળાનું આયોજન થાય છે. જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. પાટણવાવ નજીક આવેલા ઓસમ પર્વત પર પણ લોકમેળાનું આયોજન થાય છે જેમાં ભાદરવી અમાસ એકમ અને બીજ એમ ત્રણ દિવસ સુધી લોક ઉત્સવ આયોજિત થાય છે. આ સિવાય આધુનિક સમયમાં રાજકોટના રેસકોર્સ મેદાન પર સૌરાષ્ટ્રનો સૌથી મોટો કહી શકાય તેવા મેળાનું આયોજન પણ થતું હોય છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ગોંડલ નજીક આવેલ દાળેશ્વર મહાદેવ મંદિરે પણ શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના દિવસે મેળો ભરાય છે. પોરબંદર નજીક પણ ચોપાટીના મેદાનમાં રાજકોટ પછી સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા લોકમેળાનું આયોજન થાય છે, જેમાં પણ લોકો મેરામણને કિનારે લાખોની સંખ્યામાં ઉમટી પડીને સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા લોકમેળાને માણતા હોય છે. સોમનાથ નજીક કાર્તિકી પૂર્ણિમાના મેળાનું પણ આયોજન થાય છે, જે કારતક મહિનાની તેરસ, ચૌદસ અને પૂનમ એમ ત્રણ દિવસ સુધી આયોજિત થાય છે જેમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

You may also like

Leave a Comment