પ્રભાસ પાટણના ઘાંચી વાડામાં બે દીપડાએ બકરાઓનું મારણ કર્યું

by JAYENDRA UPADHYAY
0 comments

પ્રભાસ પાટણના ઘાંચી વાડા વિસ્તારમાં આજ સવારના સમયે શિકારની શોધમાં આવેલ દીપડાઓએ બે જેટલા બકરાનું મારણ કર્યું હતું. સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરાતા દીપડાનું રેસ્ક્યું કરી એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો હતો. ગીર સોમનાથના પ્રભાસ પાટણના ઘાંચીવાડા વિસ્તારમાં વહેલી સવારે બે દીપડા ઘૂસી આવતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. અતિ ગીચ માનવ વસાહતમાં હિંસક દીપડાઓના પ્રવેશથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જો કે વન વિભાગની ટીમે વેટરનરી ડોક્ટરની ટીમ સાથે મળીને દીપડાને રેસ્ક્યૂ કરવાની કવાયત હાથ ધરી હતી. લગભગ બે કલાકની સઘન જહેમત બાદ ડોક્ટરો દ્વારા દીપડાને ટ્રેન્ક્યુલાઈઝ કરીને બેહોશ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં આવ્યો હતો.સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, આજે સવારે લગભગ 4 વાગ્યે બે દીપડા ઘાંચીવાડા વિસ્તારમાં પ્રવેશ્યા હતા. આ દીપડાઓએ એક મકાનના વાડામાં ઘૂસીને બે બકરાનું મારણ કર્યું હતું. જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. મારણ બાદ, એક દીપડો રહેણાક મકાનના એક ઓરડામાં ઘૂસી ગયો હતો. સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને તેને અંદર જ પૂરી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દીપડાને જોવા માટે ઘટનાસ્થળે લોકોના ટોળાં એકત્રિત થવા માંડ્યા હતા.ગીચ માનવ વસાહતમાં દીપડો ઘૂસી આવવાની અને બે બકરાના મારણની ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે ચિંતા હતી, પરંતુ વન વિભાગની ઝડપી અને સફળ કામગીરીને કારણે હવે ભયનો અંત આવ્યો છે, અને સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે.

You may also like

Leave a Comment