નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન પદ પર રહેનારા બીજા નેતા, ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ તૂટ્યો

by chanchal bhuj bhuj
0 comments

નવી દિલ્હી, 25 જુલાઈ:
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક નવો ઐતિહાસિક માઈલસ્ટોન હાંસલ કર્યો છે. તેમણે ભારતના પૂર્વ વડા પ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીના કાર્યકાળને પાછળ છોડતા દેશના બીજા સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન પદે રહેનાર નેતા બનવાનો માન મેળવ્યો છે.

આજે મોદીના વડા પ્રધાન તરીકેના 4078 દિવસ પૂર્ણ થયા છે, જ્યારે ઇન્દિરા ગાંધીએ 24 જાન્યુઆરી 1966 થી 24 માર્ચ 1977 સુધી 4077 દિવસ દેશનું નેતૃત્વ કર્યું હતું.

સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન પદે રહેનાર રેકોર્ડ પંડિત જવાહરલાલ નહેરુના નામે છે, જેમણે 16 વર્ષ અને 286 દિવસ દેશનું નેતૃત્વ કર્યું હતું.

મુખમંત્રી અને વડા પ્રધાન તરીકે 24 વર્ષનું સતત નેતૃત્વ
નરેન્દ્ર મોદી એકમાત્ર એવા નેતા છે જેમણે રાજ્ય અને કેન્દ્રમાં મળીને 24 વર્ષથી સતત સંચાલન આપ્યું છે. તેમણે વર્ષ 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને ત્યારબાદ 2014થી વડા પ્રધાન તરીકે સેવા આપી છે.

બિન-કોંગ્રેસી પીએમ તરીકે નોંધપાત્ર સિદ્ધિઓ
મોડિ દેશના પ્રથમ એવા બિન-કોંગ્રેસી વડા પ્રધાન છે જેમણે સતત બે વખત પૂર્ણ બહુમત સાથે સરકાર રચી છે.

તેઓ સ્વતંત્રતા પછી જન્મેલા પ્રથમ વડા પ્રધાન પણ છે.

મોદીએ પક્ષના નેતા તરીકે સતત છ ચૂંટણી જીતી છે, જેમાં 2002, 2007, 2012 (ગુજરાત વિધાનસભા) અને 2014, 2019, 2024 (લોકસભા)નો સમાવેશ થાય છે.

ઈતિહાસ સર્જતી આગવી ભૂમિકા
પંડિત નહેરુ બાદ નરેન્દ્ર મોદી એકમાત્ર એવા વડા પ્રધાન છે જેમણે ત્રણ સામાન્ય ચૂંટણીમાં સતત પોતાની પાર્ટીને વિજય અપાવ્યો છે. આ રાજકીય યાત્રા નરેન્દ્ર મોદીને ભારતના રાજકીય ઈતિહાસમાં અનોખા સ્થાને સ્થાપિત કરે છે.

You may also like

Leave a Comment