25થી 31 ડિસેમ્બર કાંકરિયા કાર્નિવલ : ભવ્ય આતશબાજી સાથે લેસર શો

અમદાવાદ
વર્ષના અંતમાં યોજાતો અમદાવાદના સૌથી મોટા કાર્નિવલ એવા કાંકરિયા કાર્નિવલનો 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજવાનો છે. કાંકરિયા કાર્નિવલમાં રોજના એક લાખથી વધુ લોકો આવતા હોય છે. કાંકરિયા પરિસરમાં ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવશે. અંદાજે એક કિલોમીટર જેટલા વિસ્તારમાં ડ્રોનથી સર્વેલન્સ કરી ચાંપતી નજર રાખવામાં આવશે. કાંકરિયા કાર્નિવલ દરમિયાન રાત્રે ભવ્ય આતશબાજી અને લેસર શો યોજવામાં આવનાર છે. આખું કાંકરિયા પરિસર રંગેબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવશે. વિવિધ અવનવી પ્રકારની થીમો ઉપર લાઇટિંગ કરવાનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

વર્ષ 2008થી દર વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવતું હોય છે. ચાલુ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં પ્રખ્યાત ગાયક કલાકાર પાર્થ ઓઝા, કીર્તિદાન ગઢવી, યોગેશ ગઢવી સહિતના સૂર રેલાવશે. જ્યારે શાહબુદ્દીન રાઠોડ અને જીતુભાઇ દ્વારકાવાળા જેવા હાસ્ય કલાકારો પણ લોકોને ખડખડાટ હસાવશે. પુષ્પકુંજ ગેટ નંબર એક, બાલવાટિકા અને વ્યાયામ શાળા ખાતે ત્રણ સ્ટેજ બનાવવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ પુષ્પકુંજ ગેટ ખાતે યોજાશે. રોજ સાંજે વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.

કાંકરિયા કાર્નિવલમાં સાંજે 4:30 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી અલગ-અલગ કાર્યક્રમો ત્રણેય સ્ટેજ ખાતે યોજાશે. જેમાં વિવિધ ગાયક કલાકારો દ્વારા પોતાના સૂર રેલાવશે. કોમેડી શો, જાદુગર શો, તબલાં પર્ફોર્મન્સ, માઉથ ઓર્ગન પર્ફોર્મન્સ, ડાન્સ પર્ફોમન્સ અને ક્લાસિકલ ડાન્સ, ફ્યુઝન વગેરે યોજાશે. રાતે 10 વાગ્યાની આસપાસ ભવ્ય લેસર શો અને આતશબાજી કરવામાં આવશે. રોજ વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો પહોંચશે. જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

કાંકરિયા કાર્નિવલમાં ચાલુ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આખું કાંકરિયા પરિસર ઝળહળી ઊઠે તેવું લાઇટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિવિધ થીમ આધારિત લાઇટિંગ કરવામાં આવશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા, મારું શહેર મારું ગૌરવ, વસુધૈવ કુટુંબકમ, વાઇબ્રન્ટ ગુજરાત જેવી અલગ-અલગ થીમ ઉપર લાઈટિંગ કરવામાં આવનાર છે. રંગબેરંગી લાઈટોથી કાંકરિયા પરિસરને શણગારવામાં આવશે. કાંકરિયા કાર્નિવલના સાત દિવસ સુધીના કાર્યક્રમમાં રોજ વિવિધ નેતાઓ અને કોર્પોરેટરો હાજર રહેશે.

કાંકરિયા કાર્નિવલમાં રોજના એક લાખથી વધુ લોકો આવવાના હોવાથી સુરક્ષાને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ વિભાગ દ્વારા બેઠક કરી સમગ્ર તૈયારી કરવામાં આવી છે. કાંકરિયા પરિસરમાં લાગેલા સીસીટીવી ઉપરાંત પોલીસના સીસીટીવી મળી કુલ 120 કેમેરાથી તેમજ ડ્રોનથી સર્વેલન્સ કરાશે. અલગથી એક કંટ્રોલરૂમ પણ ઊભો કરવામાં આવશે. કાંકરિયા પરિસર ખાતે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્ક બનાવવામાં આવશે. પોલીસની શી ટીમ ખાનગી ડ્રેસમાં ફરશે અને જો કોઈ મહિલાઓ કે યુવતીની છેડતી થશે તો તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે.

About JAYENDRA UPADHYAY

Check Also

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં મોત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »