વડોદરામાં બે કંપની ભડકે બળી:ફાયરની પાંચ ગાડી દોડી, મોટા નુકસાનની શક્યતા

વડોદરા
શહેરના ડભોઇ રોડ ઉપર આવેલા આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત બે કંપનીઓ અને અલકાપુરીમાં આવેલી સિક્યુરીટી સર્વિસની ઓફિસમાં આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં લાશ્કરો પહોંચી ગયા હતા. પાણીનો મારો ચલાવી બંને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. લાશ્કરોને ધુમાડાથી બચવા માટે ઓક્સિજન માસ્ક પહેરીને કામગીરી કરવાની ફરજ પડી હતી. આ બંને બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. જોકે, આગના બનાવોથી મોટુ નુકસાન થયું હોવાનું અનુમાન છે.

ફાયર બ્રિગેડમાંથી મળેલી માહિતી પ્રમાણે શહેરના ડભોઇ રોડ ઉપર યમુના મીલની સામે આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલું છે. આ એસ્ટેટમાં નાના-મોટી ચિજવસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓ આવેલી છે. જેમાં એક ક્રિષ્ણા ગુડ ડેકોરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ક્રિષ્ણા ગુડ ડેકોરમાં લાગેલી આગે બાજુમાં આવેલા અન્ય શેડને લપેટમાં લીધો હતો.

આજે વહેલી સવારે લાગેલી આ આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં તુરંત જ દાંડિયા બજાર ફાયર બ્રિગેડના લાશ્કરો દોડી ગયા હતા. જોકે, સ્થળ પર દાંડિયા બજારના ફાયર લાશ્કરો પહોંચ્યા બાદ આગ વધુ મોટી જણાતા મકરપુરા જી.આઇ.ડી.સી. અને પાણીગેટ ફાયર બ્રિગેડને પણ મદદ માટે બોલાવી લેવામાં આવ્યા હતા.

પાણીગેટ ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ડભોઇ રોડ ઉપર આનંદ ઇન્ડસ્ટ્રીયલ આગને કાબુમાં લેવા માટે 4 અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ 30 કર્મચારીઓ કામે લાગ્યા હતા. 3 કલાકની ભારે જહેમત બાદ ક્રિષ્ણા ગુડ ડેકોર અને તેની બાજુમાં આવેલા બ્લુ જેમ કંપનીમાં લાગેલી આગ બુઝાવી હતી.

આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી, પરંતુ આગના કારણે કંપનીમાં મોટુ નુકસાન થયું હોવાનું અનુમાન છે. આગના આ બનાવે એસ્ટેટમાં આવેલી અન્ય કંપનીઓના સંચાલકોમાં ગભરાહટ ફેલાવી દીધો હતો. જોકે, ફાયર બ્રિગેડના લાશ્કરોએ યોજનાબધ્ધ રીતે ચારે બાજુથી પાણીનો મારો ચલાવીને આગને વધુ પ્રસરતા અટકાવી દીધી હતી. એસ્ટેટમાં લાગેલી આગના કારણે સલામતીના ભાગરૂપે એસ્ટેટનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ બનાવને પગલે પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.

આ ઉપરાંત અલકાપુરી વિસ્તારમાં આવેલા સ્ટર્લિંગ સેન્ટર સ્થિત 201 નંબરમાં આવેલી ડિટેક્ટીવ એન્ડ સિક્યુરીટી સર્વિસ નામની ઓફિસમાં આગ ફાટી નીકળી હતી. આ એજન્સીના સંચાલક શૈલેષ નાયર છે. સવારે 7 વાગ્યાના સુમારે સિક્યુરીટી કોમ્પ્લેક્સમાં આવી ગયો હતો. તેઓએ ડિટેક્ટીવ એન્ડ સિક્યુરીટી સર્વિસ એજન્સીના સંચાલક શૈલેષ નાયરને ઓફિસમાંથી ધુમાડો નીકળતો હોવાની જાણ કરતા તુરંત જ તેઓ ઓફિસે દોડી આવ્યા હતા.

દરમિયાન શૈલેષ નાયરે ઓફિસમાં લાગેલી આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરતા લાશ્કરો દોડી આવ્યા હતા. પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ફાયર બ્રિગેડના લાશ્કરોને ઓફિસમાં લાગેલી આગના ધુમાડાથી બચવા ઓક્સિજન માસ્ક સાથે કામગારી કરવાની ફરજ પડી હતી. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી, પરંતુ ઓફિસ સ્થિત કમ્પ્યુટર સહિત ફર્નિચર બળીને ખાખ થઇ ગયું હતું.

About JAYENDRA UPADHYAY

Check Also

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં મોત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »