કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં ૨૪ અને ૨૫ નવેમ્બર, ૨૦૨૩ એમ બે દિવસ રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ ની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આજરોજ ભુજ ટાઉનહોલ ખાતે ભુજ વિસ્તારના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. ગુજરાત રાજ્યકક્ષાના કાર્યક્રમનો શુભારંભ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદથી કરવામાં આવ્યો હતો જેનું જીવંત પ્રસારણ ટાઉનહોલ ભુજ ખાતે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને ખેડૂતોએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, દિવસેને દિવસે કૃષિ આધુનિક બનતી જાય અને તેમાં અવનવા સંશોધનો થતા જાય છે. આ તમામ નવીન સંશોધનોની માહિતી છેવાડાના ખેડૂતો સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેતીનો વિકાસ દેશના વિકાસ સાથે સીધો જ સંબંધ ધરાવે છે. ખેડૂતોને પારંપારિક ખેતી ઉપરની નિર્ભરતા ઘટાડીને નવી તકનિકોને અપનાવવા ધારાસભ્યશ્રીએ અનુરોધ કર્યો હતો. તેઓએ ઉમેર્યું કે, ખેતીમાં નફો વધારવો હોય તો ખર્ચ ઘટાડવાની બાબતને પ્રાથમિકતા આપવી પડશે. આધુનિક ઢબે કૃષિ વૈજ્ઞાનિકોની સલાહથી ખેતી કરવામાં આવે તો ખર્ચ ઘટી શકે છે. કચ્છ સહિત રાજ્યના ખેડૂતોને બિયારણ, ખાતર, દવાઓ વગેરે સમયસર મળી રહે તે માટે સરકારે વ્યવસ્થા ઊભી કરી છે. ધારાસભ્યશ્રીએ રવિ કૃષિ મહોત્સવમાં સહભાગી થઈને તેનો મહત્તમ લાભ લેવા માટે સૌ ખેડૂતભાઈઓને અપીલ કરી હતી. ધારાસભ્યશ્રીએ ભુજ ટાઉનહોલ પરિસરમાં કૃષિ પ્રદર્શન અંતર્ગત ઊભા કરવામાં આવેલા વિવિધ વિભાગોના સ્ટોલની મુલાકાત લઈને ખેડૂતોને પ્રોત્સાહન પુરી પાડીને સંવાદ કર્યો હતો.
કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આ રવિ કૃષિ મહોત્સવ એક જ જગ્યાએ ખેડૂતોને તમામ પ્રકારનું ખેતી વિષયક માર્ગદર્શન પુરુ પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. દેશનો ખેડૂત સમૃદ્ધ થાય અને તેના દ્વારા દેશ સમૃદ્ધ થાય એ દિશામાં કામગીરી સરકાર કરી રહી છે. શ્રી વાઘેલાએ ભુજ તાલુકાનો સમાવેશ અટલ ભૂ યોજના અંતર્ગત કરવામાં આવ્યો હોવાથી તેનો લાભ લેવા અપીલ કરી હતી. આ ઉપરાંત, મહત્તમ ખેડૂતો ડ્રીપ ઈરિગેશન અપનાવીને પોતાના ઘરે કિચન ગાર્ડેનિંગ કરે તેવો અનુરોધ કર્યો હતો.
બાગાયત પાકોમાં નવીનત્તમ ટેક્નોલોજી અંગે કૃષિ વૈજ્ઞાનિકોએ ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. જિલ્લામાં ખેતીમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા ખેડૂતોને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ, તાલુકાકક્ષાનો એવોર્ડ, સન્માનપત્ર અને સહાય વિતરણ પત્ર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પ્રદર્શનમાં આધારકાર્ડ, શ્રી અન્ન વાનગી પ્રદર્શન, ડ્રોનથી દવાનો છંટકાવ, પશુપાલન, એફપીઓ, ટ્રેક્ટર સહાય, મેડિકલ, ખેતી વિષયક સરકારી યોજનાઓની માહિતી વગેરે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનનભાઈ ઠક્કરે કર્યું હતું.
આ પ્રસંગે ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન સોલંકી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદ વરસાણી, કિશાન સંઘના પ્રમુખશ્રી શિવજીભાઈ બરાડિયા, જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, ભુજ પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, મદદનીશ ખેતી નિયામકશ્રી કે.વી.પટેલ, કૃષિ વૈજ્ઞાનિક ડૉ. જયદીપ ગોસ્વામી, સરદાર કૃષિ યુનિવર્સિટીના મદદનીશ પ્રાધ્યાપકશ્રી ડૉ. બી.આર. નાકરાણી, સર્વે ગ્રામસેવકો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.