અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આજે રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે. પરંતું ફરીથી રાજ્યમાં 27 જુલાઈથી વરસાદનું જોર પકડાશે. 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી પવન ભેજનું ગેસ્ટ પશ્ચિમ ભારત ઉપર અસર વર્તાવશે. જેનાથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે.
ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળશે. સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. તો તાપી અને નર્મદાના જળ સ્ત્રાવમાં પણ વધારો થશે.
આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. આ દિવસોમાં વલસાડ, ભરૂચ, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ રહી શકે છે. આજે મંગળવારથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. આ દિવસોમાં અમદાવાદમાં હળવાથી માધ્યમ વરસાદ રહી શકે છે.