જમ્મુ અને કાશ્મીરમાં બંધારણની કલમ 370 નાબૂદ કરવાને પડકારતી અરજીઓ પર મંગળવારે (11 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 5 મે, 2019 ના રોજ કેન્દ્રએ જમ્મુ અને કાશ્મીરના અગાઉના રાજ્યનો વિશેષ દરજ્જો રદ કર્યો અને તેને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યો હતો.
મંગળવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વમાં પાંચ જજોની બંધારણીય બેન્ચ સુનાવણી હાથ ધરશે. સુનાવણીના એક દિવસ પહેલા (10 જુલાઈએ), કેન્દ્રએ બંધારણની કલમ 370 નાબૂદ કરવાના બચાવમાં એક એફિડેવિટ દાખલ કરી હતી.
આતંકવાદી-અલગતાવાદી એજન્ડા સાથે સંકળાયેલી આયોજિત પથ્થરમારાની ઘટનાઓ 2018માં 1,767 થી ઘટીને 2023માં શૂન્ય થઈ ગઈ છે અને સુરક્ષાકર્મીઓની જાનહાનિની ઘટનાઓમાં 2018ની તુલનામાં 2022મા 65.9 ટકાનો ઘટાડો થયો હતો. કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે ઐતિહાસિક બંધારણીય પગલાથી પ્રદેશમાં અભૂતપૂર્વ પ્રગતિ, સુરક્ષા અને સ્થિરતા આવી છે, જે કલમ 370 લાગુ હતી ત્યારે ત્યાં નહોતી.