ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં એક લગ્ન પ્રસંગમાં વરરાજાનું મનગમતું ગીત ડીજે પર ન વગાડ્યું તો, જાનૈયાઓએ ડીજેવાળા અને દુલ્હનના ભાઈને ધોઈ નાખ્યા હતા. જે બાદ દુલ્હને વરરાજા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેના કારણે જાન લીલાતોરણે પાછી ફરી હતી. દુલ્હનના પિતાએ જાનૈયાઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ કિસ્સો મઉ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા સુરૌંધા ગામનો છે. જ્યાં શિવલાલ નામના વ્યક્તિની દીકરીના લગ્ન રૈપુરા ગામના રહેવાસી શિવકુમારના દિકરા અજય કુમાર સાથે નક્કી થયા હતા. જાન આવી ગઈ અને જાનૈયા ડીજેના તાલે ડિસ્કો કરી રહ્યા હતા. જો કે આ દરમ્યાન વરરાજાનું મનપસંદ ગીત ન વગાડ્યું તો, જાનૈયા ભડકી ગયા અને દારુના નશામાં મારપીટ કરવા લાગ્યા. જ્યારે દુલ્હનનો ભાઈ ડીજેવાળાને બચાવવા આવ્યો તો, દુલ્હનના ભાઈને પણ ધોઈ નાખ્યો. જેમાં કેટલાય લોકો ઘાયલ પણ થયા હતા. તેજ સમયે દુલ્હને પોલીસને ફોન કરી આખી ઘટના જણાવી દીધી. પોલીસ ઘટનાસ્થળે આવી અને બંને પક્ષના લોકોને ચોકીએ લઈ ગઈ. જ્યાં દુલ્હનના પિતાની ફરિયાદના આધારે જાનૈયા પર પોલીસ કેસ કર્યો હતો.