Breaking News

અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડનો હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત વિકાસ થશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડને હાઈ સ્પીડ કોરીડોર અંતર્ગત વિકસાવવા માટે ૨૬૨.૫૬ કરોડ રૂપિયા ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં સુદ્રઢ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સલામત માર્ગો દ્વારા પરિવહન સુવિધા સરળ બનાવવા રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને અંદાજે  રૂપિયા ૩૧૦૦ કરોડના ખર્ચે હાઈ સ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં પ્રાવધાન કર્યુ છે.
આ પ્રાવધાન અંતર્ગત વટામણ-પીપળી, સુરત – સચિન- નવસારી, અમદાવાદ-ડાકોર, ભૂજ-ભચાઉ, રાજકોટ-ભાવનગર, અને મહેસાણા-પાલનપૂર સહિત ૬ જેટલા હાઈ સ્પીડ કોરીડોર વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ઉત્તર ગુજરાતના મહેસાણા-ઊંઝા-સિધ્ધ્પૂર-પાલનપૂર હાઈવે પર અગાઉ ૨૦૨૩-૨૪માં અલગ-અલગ ૯ જેટલા ક્રોસીંગ સ્થળો પર ફ્લાયઓવર તેમજ વ્હીક્યુલર અન્ડરપાસ અને ૩ નદીઓ પર નવિન બ્રીજ મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સુદ્રઢ રોડ નેટવર્કની દિશામાં એક કદમ આગળ વધતા વધુ એક ફ્લાયઓવર અને બે વ્હીક્યુલર અન્ડરપાસના નિર્માણ માટે ૨૬૨.૫૬ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.
તદનુસાર, મહેસાણા શહેરમાં રાધનપૂર સર્કલ પરના વધારે પડતા ટ્રાફિકના નિવારણ  માટે રૂ. ૧૩૬ કરોડના ખર્ચે નવો સિકસ લેન ફ્લાયઓવર બ્રિજ, નાગલપૂર ક્રોસ રોડ પર અકસ્માત નિવારી શકાય તે માટે અંદાજીત રૂ.૫૪.૪૦ કરોડના ખર્ચે સિક્સ લેન વ્હીક્યુલર અન્ડરપાસ અને ઉનાવા ખાતે બંને ક્રોસ રોડ પર રૂ. ૭૨.૧૬ કરોડના અંદાજિત ખર્ચે નવો ૬-માર્ગીય વ્હીક્યુલર અન્ડરપાસ બનાવવાની કામગીરી હાથ ધરાશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને પરિણામે ઉત્તર ગુજરાત વિસ્તારના લોકોને અમદાવાદ સાથેની વધુ સરળ, સલામત અને ઝડપી રોડ કનેક્ટીવીટી મળશે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે તાજેતરમાં ઓગસ્ટ મહિનામાં જ  થરાદ-મહેસાણા-અમદાવાદ ના નેશનલ હાઈસ્પીડ કોરીડોરને મંજૂરી આપી છે.
ભારતમાલા પરિયોજનામાં એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અન્વયે થરાદથી અમદાવાદ સુધીના ૨૧૪ કિ.મી. લંબાઈના સીક્સ લેન નેશનલ હાઈસ્પીડ કોરીડોર (એક્સપ્રેસ વે) માટે રૂ. ૧૦૫૩૪ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ નેશનલ હાઈ સ્પીડ કોરીડોરને સંલગ્ન રોડ નેટવર્ક વધુ સુગ્રથિત બનાવવા આ ૨૬૨.૫૬ કરોડ રૂપિયા અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડને હાઈસ્પીડ કોરીડોર હેઠળ વિકસાવવા માટે  મંજૂર કર્યા છે.

About JAYENDRA UPADHYAY

Check Also

રૂપાલ ગામ ખાતે આવેલા વિશ્વ પ્રસિધ્ધ વરદાયનિ માતાજીના મંદિરે તા. ૧૧મી ઓકટોબરના રોજ પલ્લીનો મેળો યોજાશે

ગાંધીનગર: શનિવાર: ગાંધીનગરના રૂપાલ ગામ ખાતે આવેલા વિશ્વ પ્રસિધ્ધ વરદાયનિ માતાજીના મંદિરે પલ્લીનો મેળો તા. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?