કચ્છના આર્થિક અને પ્રવાસન વિકાસને નમો ભારત રેપિડ રેલથી ગતિ મળશે : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
૦૦૦૦
ભુજ-અમદાવાદ વચ્ચે ભારતની સૌપ્રથમ નમો ભારત રેપિડ રેલને વર્ચ્યુઅલી લોકાર્પણ કરી પ્રસ્થાન કરાવતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી
૦૦૦૦
વડાપ્રધાનશ્રીના હસ્તે ગાંધીધામથી આદિપુર તેમજ સામખીયારીથી ગાંધીધામ રેલવે લાઈન વિસ્તૃતિકરણના કુલ રૂ.૧૫૮૨ કરોડના પ્રોજેક્ટનો વર્ચ્યુઅલી શિલાન્યાસ
૦૦૦૦
કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યશ્રીઓ અને કચ્છના સ્થાનિક પદાધિકારીશ્રીઓએ ભુજ રેલવે સ્ટેશન ખાતે લીલીઝંડી બતાવી નમો ભારત રેપિડ રેલને પ્રસ્થાન કરાવ્યું
૦૦૦૦
આજરોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી ભુજથી અમદાવાદ વચ્ચે ભારતની સૌપ્રથમ નમો ભારત રેપિડ રેલનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરીને ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું. ગુજરાતને ૮ હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, નમો ભારત રેપિડ રેલ દેશમાં અર્બન કનેક્ટિવિટી માટે એક મિલનો પથ્થર સાબિત થશે. નમો ભારત રેપિડ રેલના સંચાલનથી એક શહેરમાંથી બીજા શહેરમાં સફર કરનારા વ્યાપારીઓ, વિદ્યાર્થીઓ અને મુસાફરોને ખૂબ જ સુવિધા મળી રહેશે. વડાપ્રધાનશ્રીએ આ તકે વધુમાં જણાવ્યું હતું કે, આવનારા સમયમાં ભારતના અન્ય શહેરોને પણ નમો ભારત રેપિડ રેલથી કનેક્ટ કરવામાં આવશે. આ ઉપરાંત, વડાપ્રધાનશ્રીએ અમદાવાદ ખાતેના કાર્યક્રમથી કચ્છ જિલ્લાના ગાંધીધામથી આદિપુર અને સામખીયારીથી ગાંધીધામ રેલવે લાઈન વિસ્તૃતિકરણના કુલ રૂ.૧૫૮૨ કરોડના પ્રોજેક્ટનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો હતો.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં નમો ભારત રેપિડ રેલનો ઉલ્લેખ કરીને આનંદની લાગણી સાથે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં રેલવે સેવાઓમાં ક્રાંતિકારી બદલાવ આવ્યો છે. કચ્છના આર્થિક અને પ્રવાસન વિકાસને નમો ભારત રેપિડ રેલ વધુ ગતિ આપશે. ગુજરાતને વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની સાથે ભારતની સૌપ્રથમ નમો ભારત રેપિડ રેલની ભેટ આપવા બદલ મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભુજ રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યશ્રીઓ સહિત જિલ્લાના પદાધિકારીશ્રીઓએ કચ્છને ભારતની સૌપ્રથમ નમો ભારત રેપિડ રેલની ભેટ મળવા બદલ ખુશીની લાગણી વ્યક્ત કરીને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભુજ રેલવે સ્ટેશન ખાતે નમો ભારત રેપિડ રેલ ટ્રેનના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય સર્વશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, શ્રી કેશુભાઈ પટેલ, શ્રી અનિરુદ્ધભાઈ દવે, ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષ પ્રજાપતિ,રેલવેના એડીઆરએમશ્રી લોકેશ કુમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, સીપીઆરઓશ્રી વિનીત અભિષેક સહિત પદાધિકારીશ્રીઓ, જિલ્લા વહીવટીતંત્ર અને રેલવેના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.