ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૮૭ ટકાથી વધુ જળસંગ્રહ

રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ-૭૬ જળાશયો સંપૂર્ણ તેમજ ૪૬ જળાશયો ૭૦ ટકાથી વધુ ભરાયા:હાઈ એલર્ટ જાહેર
ગાંધીનગર

રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વરસી રહેલા આ સાર્વત્રિક વરસાદના ભાગરૂપે ૭૬ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા જ્યારે ૪૬ જળાશયો-ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના ૨૩ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે ૩૦ ડેમ ૨૫ થી ૫૦ ટકા વચ્ચે તેમજ ૩૧ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયા છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૨,૯૦,૫૪૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૭ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૪,૦૭,૪૪૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૭૨.૭૩ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ કુલ ૨૦૭ જળાશયોમાં ૭૮ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં ૩.૩૮ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૩.૮૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે વણાકબોરી જળાશયમાં ૨.૮૭ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૨.૮૭ લાખની જાવક, ઉકાઈમાં ૨.૪૭ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૨.૪૬ લાખની જાવક, આજી-૪માં ૧.૬૩ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૧.૬૩ લાખની જાવક, કડાણામાં ૧.૫૦ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૧.૨૫ લાખની જાવક તેમજ ઉંડ-૧માં ૧.૧૯ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૧.૧૯ લાખ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. આ સિવાય વિવિધ ૯૪ જળાશયોમાં ૭૦ હજાર ક્યુસેકથી ૧,૦૦૦ હજાર ક્યુસેક સુધીની પાણીની આવક થઈ રહી છે.

આ ઉપરાંત મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૮૭ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૭૮ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૬૬ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૬૧ ટકા જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૯ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સાથે ૨૦૭ જળાશયોમાં અત્યાર સુધીમાં ૭૮ ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ ૨૦૭ જળાશયોમાં ૭૬ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ

અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?