મત ગણતરી કેન્દ્ર ખાતે જરૂરી તમામ સુવિધાઓની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરાએ સમીક્ષા કરી
કચ્છ મોરબી લોકસભા બેઠકની મત ગણતરી પ્રક્રિયાને ચોક્કસાઈથી અને સુચારુરૂપે પાર પાડવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની તાકીદ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ૦૪ જૂનના રોજ કચ્છ મોરબી લોકસભા બેઠકની મત ગણતરી પ્રક્રિયા સરકારી ઈજનેરી કોલેજ ભુજ ખાતે યોજાનારી છે. જિલ્લા કલેક્ટર ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરાએ ભુજ ખાતે બેઠક યોજીને મત ગણતરીના દિવસની વિવિધ તૈયારીઓની સમીક્ષા કરીને અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરાએ મત ગણતરીના દિવસે મત ગણતરી કેન્દ્ર ખાતે તમામ સ્ટ્રોંગરૂમ સમયસર ખોલાવીને નિયત અધિકારીશ્રીઓની હાજરીમાં રોજકામની કામગીરી ચોક્કસાઈપૂર્વક કરવા તાકીદ કરી હતી. શ્રી અરોરાએ મત ગણતરી કેન્દ્ર ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોગ્ય પોલીસ બંદોબસ્ત, પાર્કિંગ વ્યવસ્થા સહિતના મુદ્દે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓને સૂચનાઓ આપીને વર્તમાન વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ પોસ્ટલ બેલેટની ગણતરી, માઈક્રો ઓબ્ઝર્વરશ્રીની કામગીરી, મત ગણતરીના દિવસે ફરજ ઉપરના સ્ટાફ માટે ભોજન અને પાણીની વ્યવસ્થા, મંડપ, લાઈટ, સાઉન્ડ સિસ્ટમ વગેરેની વિગતો અધિકારીશ્રીઓ પાસેથી મેળવીને દિશાનિર્દેશો આપ્યા હતા. આ ઉપરાંત, રાઉન્ડવાઈઝ રિઝલ્ટ શીટ, ઈલેક્શન કમિશનને મોકલવાના વિવિધ પત્રકો, ઈમરજન્સી મેડિકલ સારવાર, મીડિયા સેન્ટર, પ્રવેશ માટેના સાઈનેજીસ, મત ગણતરી કેન્દ્રોની સમગ્ર પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ, મત ગણતરી પૂર્ણ થયા બાદ ઈવીએમ સિલિંગની કામગીરી વગેરે બાબતોની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને જવાબદારી સોંપીને માર્ગદર્શન આપ્યું હતું.નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈએ સૌ અધિકારીશ્રીઓને બેઠકમાં આવકારીને સ્વાગત કર્યું હતું. શ્રી દેસાઈએ મત ગણતરીના દિવસે ચોક્કસાઈથી કામગીરી કરવા માટે સૌ અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું.
આ બેઠકમાં સિવિલ ડિફેન્સ અધિક કલેક્ટરશ્રી ધવલ પંડ્યા, ડીઆરડીએના નિયામકશ્રી નિકુંજ પારેખ, તમામ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એ.એસ. હાશ્મી, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના અધિક્ષક ઈજનેરશ્રી એમ.જે.ઠાકોર, ઈન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા આયોજન અધિકારીશ્રી જિતેન્દ્ર રાવલ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. આર.આર.ફૂલમાલી, માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી ચિરાગ દુદિયા સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.