કચ્છ લોકસભા બેઠકની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પર ચાંપતી રાખવા કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ મુજબ કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અમિત અરોરાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્પેશિયલ મોનિટરિંગ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. હાઈ ક્વોલિટી લાઈવ વેબ કાસ્ટિંગની મદદથી જિલ્લાના ૯૬૪ મતદાન મથકોની કામગીરીનું રાઉન્ડ ધ ક્લોક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી અમિત અરોરા સમગ્ર કચ્છ જિલ્લાની મતદાન પ્રક્રિયા વેબ કાસ્ટિંગની મદદથી નિહાળી રહ્યા છે અને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. જનરલ ઓબ્ઝર્વરશ્રી અમર કુશવ્હા સાથે નોડલ ઓફિસર એક્ષ્પેન્ડિચર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે. પ્રજાપતિ,
નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, તાલીમી આઇ.એ.એસ અધિકારી સુશ્રી ઈ. સુસ્મિતા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈ, નાયબ કલેક્ટર સુશ્રી નીતિ ચારણ સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ પણ વેબ કાસ્ટિંગ કંટ્રોલ રૂમ ખાતે ઉપસ્થિત રહીને મતદાનની પ્રક્રિયા ઉપર નજર રાખી રહ્યા છે. વોટિંગ સિક્રસીનો ભંગ ના થાય તે રીતે તમામ મતદાન મથકોમાં કેમેરા લગાવવામાં આવ્યા છે.
આજે મતદાનના દિવસે સવારે ૫.૩૦ વાગ્યાથી જ મોકપોલથી શરૂ કરીને મતદાનની કામગીરીનું લાઈવ નિરીક્ષણની કામગીરી કરવામાં આવી રહી છે. મતદાન પછી પોલિંગ બૂથો પરથી ઈ.વી.એમ. સહિતની સામગ્રી તેમજ તમામ સ્ટાફ પરત રવાના ન થાય ત્યાં સુધી લાઈવ વોચ રખાશે. તમામ બૂથ પરથી સ્ટાફ રવાના થઈ ગયા બાદ જ કંટ્રોલ રૂમની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.