અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નવો પરીપત્ર જાહેર કર્યો છે. પોલીકર્મીઓને છ મુદ્દાની સૂચના આપતો પરીપત્ર જાહેર કરાયો છે. જેમાં શહેરની પોલીસને ખાસ સૂચનાઓનો અમલ ફરજિયાતપણે કરવાનું જણાવાયું છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા અમલવારી પત્ર જાહેર કરાયો છે. કુલ 6 મુદ્દા સાથેનો પત્ર જાહેર કરવામાં આવ્યો છે. નાઇટ દરમિયાન પોલીસ અધિકારી કર્મચારી નેમ પ્લેટ સાથે સંપૂર્ણ ડ્રેસમાં રહેવું. નાઇટમાં પોતાને ફાળવેલ પોઇન્ટ પર જ પોલીસ કર્મીએ હાજર રહેવું. નાઇટમાં નાગરિકને ખોટી રીતે હેરાન કરનાર સામે તાત્કાલિક પગલાં લેવા સહિતના અનેક મુદ્દાઓનો તેમાં સમાવેશ કરાયો છે.
સોલા તોડકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ગંભીરતાથી નોંધ લીધી હતી. જેના બાદ પોલીસને મહત્વના નિર્દેશ કર્યાં છે. હાઇકોર્ટે કહ્યું હતું કે પોલીસ એરપોર્ટ, રેલવે સ્ટેશન જેવી જગ્યાઓએ ફરજિયાત યુનિફોર્મ પહેરશે. તેમજ યુનિફોર્મ પર ફરજિયાત નેમપ્લેટ લગાવેલી હોવી જોઈએ. યુનિફોર્મ અને નેમપ્લેટ વગર પોલીસ રાત્રે ડ્યુટી નહીં કરી શકે. તથા મહિલાઓ માટે સ્પેશિયલ સુરક્ષાની જરૂર હોવાનું કોર્ટને લાગ્યું હતુ. જેથી મહિલા પોલીસ ઓફિસરને પણ રાત્રે ડ્યુટી સોંપવા જણાવ્યું હતું. કોર્ટે પોલીસને મહિલા ઓફિસરોની સુરક્ષાનું ધ્યાન રાખવા પણ ટકોર કરી હતી. સાથે જ આવનારા સમયમાં આવતા તહેવારોને લઈને પોલીસને નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા સઘન કરવા જણાવ્યું હતું. આ કેસમાં આગામી 20 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે.