મુંબઈની એક કોર્ટે પતિ દ્ધારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દેતા મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. આ નિર્ણયમાં પતિને તેનાથી અલગ રહેતી પત્નીને વચગાળાનું ભરણપોષણ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે તે (પતિ) કોઈ આવક ન હોવા છતાં ભરણપોષણ આપવા સક્ષમ છે. મઝગાંવ મેજિસ્ટ્રેટ કોર્ટે કહ્યું હતું કે પતિની કોઈ આવક નથી એ સાબિત કરતા કોઇ પુરાવા નથી. પત્નીએ કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સ તરફ ધ્યાન દોર્યું, જેમાં તેનું વિઝિટિંગ કાર્ડ અને કેટલીક અન્ય પોસ્ટ હતી. પત્નીના કહેવા પ્રમાણે, આ બાબતો દર્શાવે છે કે તે નોકરી કરી રહ્યો છે. જ્યારે પતિએ જણાવ્યું હતું કે જ્યારે તેના લગ્ન થયા ત્યારે પણ તેની પાસે ક્યારેય નોકરી નહોતી. વર્ષો સુધી તે નિશ્ચિત આવક માટે ક્યારેય નોકરી કરી નથી.
આ તમામ દસ્તાવેજોને ધ્યાનમાં લીધા બાદ મેજિસ્ટ્રેટે ચુકાદો આપ્યો હતો. કોર્ટે સ્વીકાર્યું કે દસ્તાવેજોમાં પતિની આવક દર્શાવવામાં આવી નથી. જો કે, તે સ્વસ્થ વ્યક્તિ છે અને તેની પત્નીનું ભરણપોષણ કરવુ એ તેની ફરજ છે. પતિએ વચગાળાના ભરણપોષણ તરીકે તેનાથી અલગ રહેતી પત્નીને દર મહિને 5000 રૂપિયા અને બંને પુત્રોને દર મહિને 3000 રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.