ભારતીય હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા “બિપરજોય” અંગે આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડું કચ્છ જિલ્લાના કાંઠામાં લેન્ડફોલ કરે તેવી શક્યતાઓ છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા બચાવ અને રાહતની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજરોજ રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ કચ્છ જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વાવાઝોડાની પૂર્વ તૈયારીઓ અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને મંત્રીશ્રીઓએ કચ્છ જિલ્લાના વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ પાસેથી વાવાઝોડા પૂર્વેની તૈયારીઓની માહિતી લઈને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
આરોગ્ય મંત્રીશ્રીએ સમીક્ષા બેઠક દરમિયાન જણાવ્યું હતું કે તમામ અધિકારીશ્રીઓને સંકલનમાં રહીને રાહત બચાવની કામગીરી કરે જેથી વાવાઝોડાના સંકટનો સામનો કરી શકાય. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, અધિકારીશ્રીઓ ધારાસભ્યો અને આગેવાનો સાથે સંર્પકમાં રહીને સ્થાનિક જરૂરિયાતો મુજબ કામગીરી કરે તે જરૂરી છે. વાવાઝોડાની ગંભીરતાને સમજીને તમામ કોઈપણ અધિકારીશ્રી હેડકવાટર્સ ના છોડે તે સુનિશ્ચિત કરવા પણ તેઓએ જણાવ્યું હતું. આ ઉપરાંત, કંટ્રોલરૂમમાં જે પણ ફરિયાદો આવે તેનું તાત્કાલિક નિવારણ થાય તે મુજબનું કમ્યુનિકેશન નેટવર્ક વિવિધ વિભાગો સ્થાપિત કરે તે બાબત પર મંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત આરોગ્યમંત્રીશ્રીએ જિલ્લા સ્તરેથી ગ્રામ્ય સ્તર સુધી સૂચનાઓ આપી શકાય તે માટે કમ્યુનિકેશન પ્લાન બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. દરિયાકાંઠાના કેટલા ગામોમાં વાવાઝોડાની ગંભીર અસર થઈ શકે તેની વિગતો મંત્રીશ્રીએ મેળવીને ત્યાં આયોજનબદ્ધ રીતે સ્થળાંતરની કામગીરી કરવા તાકીદ કરી હતી. વધુમાં શેલ્ટર હોમ્સ ખાતે પાણીની વ્યવસ્થા, વીજળીની વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત તેમજ મેડિકલ ફેસિલીટીઝ ઉપલબ્ધ થાય તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.
ગર્ભવતી મહિલાઓને અગાઉથી સરકારી અને ખાનગી મેડિકલ ફેસિલીટીઝમાં દાખલ કરાવવા માટે આરોગ્ય વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત વાવાઝોડા બાદ પાણીજન્ય રોગો કે અન્ય રોગો સામે પહોંચી વળવા પુરતો દવાઓનો જથ્થો અનામત રાખવા જણાવ્યું હતું. માછીમારો દરિયામાં ન જાય તેનું ધ્યાન રાખવા પણ બંને મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું. વાવાઝોડાની સાથે ભારે વરસાદ પણ આવવાની શક્યતા હોય પશુઓને ખુલ્લા છોડી રાખવા બાબતે પશુપાલકોને જાગૃત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. ભારે વરસાદના લીધે ડેમ ઓવરફ્લો થવાની શક્યતા હોય તો તેનું કંટ્રોલિંગ યોગ્ય રીતે થાય તેનું ધ્યાન રાખવા સલાહ આપી હતી. કંપની પોતાના મજૂરો, અગરિયાઓને સલામત સ્થળે ખસેડે તે બાબતે સહકાર આપવા અપીલ કરી હતી.
પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે વાવાઝોડા પછી ગણતરીના કલાકોમાં જ વીજ પુરવઠો પુન:સ્થાપિત થાય તે માટે અત્યારથી એક્શન પ્લાન બનાવવીને કામગીરી કરવી પડશે. એક્શન પ્લાન પ્રમાણે પીજીવીસીએલની વધારાની ટીમો પણ અન્ય જિલ્લામાંથી બોલાવવાની ફરજ પડે તો તાત્કાલિક આદેશ કરવા સંબંધિત અધિકારીશ્રીને સૂચના આપી હતી. આ ઉપરાંત, ભારે પવનના લીધે વૃક્ષો ધરાશાયી થઈ જાય છે તેના લીધે પરિવહન સેવા ખોરવાય જાય છે. પરિવહન સેવા ખોરવાય જવાથી અન્ય સેવાઓ પણ લોકો સુધી પહોંચાડી શકાતી નથી. આથી ઝડપથી પરિવહન સેવા શરૂ કરી શકાય તે માટે અલાયદી ટીમો રાખવા મંત્રીશ્રીએ સૂચના આપી હતી. વાવાઝોડા બાદ રોડ રસ્તાઓ, વીજળી, મેડિકલ સુવિધા અને કમ્યુનિકેશન નેટવર્ક ગણતરીના કલાકોમાં પુન:સ્થાપિત થાય તે ખૂબ જ જરૂરી ગણાવીને વિશેષ માર્ગદર્શન અધિકારીશ્રીઓને પુરું પાડ્યું હતું.
આ મીટિંગ દરમિયાન કચ્છ મોરબી સાસંદશ્રી વિનોદભાઈ ચાવડાએ પણ સ્થાનિક આગેવાનોને સાથે રાખીને રાહત બચાવની કામગીરી કરવા તંત્રને સૂચના આપી હતી. ધારાસભ્ય સર્વેશ્રી કેશુભાઈ પટેલ, અનિરુદ્ધભાઈ દવે, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજાએ પોતાના વિસ્તારમાં જરૂરી બચાવ કાર્યની વિગતો સાથે મંત્રીશ્રીને અવગત કરાવ્યા હતા.
આ બેઠકમાં કચ્છ કલેક્ટરશ્રી અમિત અરોરા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી ડૉ. કરણરાજ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, સ્ટેમ્પ ડ્યૂટી ડે. કલેક્ટરશ્રી આર.કે.ઓઝા, ડિઝાસ્ટર મામલતદારશ્રી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.