કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સસ્તા અનાજના દુકાનદારોને ચીમકી આપી છે. કેટલીક દુકાનો પરવાનેદારની જગ્યાએ બીજા વહીવટ કરતાં હોવાના મુદ્દે ધારાસભ્ય ધુંઆપુઆ થયા હતા. તેઓએ સસ્તા અનાજની દુકાન ચલાવતા ઠેકેદારોને ગરીબોને અનાજ પૂરું વિતરણ કરવા માટે સૂચના આપી છે.
કાલોલમાં સરકારી સસ્તા અનાજના દુકાનદારોએ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો સત્કાર સમારંભ યોજ્યો હતો. જે દરમિયાન કેટલીક દુકાનો પરવાનેદારની જગ્યાએ બીજો વ્યક્તિ વહીવટ કરતાં હોવાના મુદ્દે ધારાસભ્ય ધુંઆપુઆ થયા હતા. ગરીબોને અનાજ પૂરું વિતરણ કરવા માટે દુકાનદારોને સૂચના આપી હતી. ખોટું કરતા દુકાનદારો સામે પોલીસ ફરિયાદ કરવા સુધીની ફતેસિંહ ચૌહાણની ચીમકીથી હાજર દુકાનદારોમાં તો કેટલાક સ્તબદ્ધ બની ગયા હતા. કારણ કે અનાજના દુકાનદારોએ તો તેમને સન્માન માટે બોલાવ્યા હતા પણ કેટલાકનો વારો પડી ગયો હતો.
ચાલુ કાર્યક્રમમાં જ ધારાસભ્યે મામલતદારને ફોન કરી જવાબ માગ્યો હતો. કાલોલ તાલુકામાં કેટલીક સસ્તા અનાજની દુકાનોનો વહીવટ પરવાનેદારની જગ્યાએ બીજા ચલાવતાં હોવાની વિગતો બહાર આવી છે. જેમાં નામ બીજાનું અને કામ બીજાનું જેવો ઘાટ ઘડાતાં ધારાસભ્યએ જિલ્લા કક્ષાએ તપાસ માટે રજૂઆત કરી હતી. આ સાથે એવી પણ ચિમકી આપી હતી કે, આગામી દિવસોમાં પરિણામ નહિ મળે તો આ મુદ્દે પગલાં લેશે. કાર્ડ ધારકને ઓછું અનાજ આપી બહાર વેચાણ કરી સરકાર બદનામ થાય એવી પ્રવૃત્તિ નહિં સાંખી લેવાય.