GST કાઉન્સિલનો મોટો નિર્ણય: હવે માત્ર બે સ્લેબ – 5% અને 18%
ઘણી ચીજવસ્તુઓ થશે સસ્તી, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% ટેક્સ
નવી દિલ્હી, તા. ૪:
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ૩ સપ્ટેમ્બરે યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. કાઉન્સિલે હાલના ૫%, ૧૨%, ૧૮% અને ૨૮%ના ચાર સ્લેબમાંથી ફેરફાર કરીને હવે માત્ર બે જ સ્લેબ – ૫% અને ૧૮% – રાખવાનો નિર્ણય કર્યો છે. એટલે કે, ૧૨% અને ૨૮%ના સ્લેબ રદ કરાયા છે. સાથે જ લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ માટે ૪૦%નો સ્પેશિયલ સ્લેબ અમલમાં આવશે. આ નવા દરો ૨૨ સપ્ટેમ્બરથી લાગુ થશે.
શું થશે સસ્તુ?
દૈનિક ચીજવસ્તુઓ: હેયર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાબુ, ટૂથબ્રશ, શેવિંગ ક્રીમ (૧૮% થી ૫%)
માખણ, ઘી, ચીઝ અને ડેરી ઉત્પાદનો (૧૨% થી ૫%)
પ્રી-પેકેજ્ડ નમકીન, ચવાણું, વાસણો, બેબી ડાયપર-નેપકિન, ફીડિંગ બોટલ (૧૨% થી ૫%)
સીવણ મશીન અને તેના ભાગો (૧૨% થી ૫%)
આરોગ્ય ક્ષેત્રે રાહત: હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ (૧૮% થી શૂન્ય), થર્મોમીટર (૧૮% થી ૫%), મેડિકલ ઓક્સિજન (૧૨% થી ૫%), ગ્લુકોમીટર અને ટેસ્ટ સ્ટ્રીપ્સ (૧૨% થી ૫%), ચશ્મા (૧૨% થી ૫%)
સ્ટેશનરી ટેક્સ ફ્રી: નકશા, ચાર્ટ, ગ્લોબ્સ, પેન્સિલ, ક્રેયોન્સ, પાઠ્ય પુસ્તકો, નોટબુક્સ (૧૨% થી શૂન્ય), ઇરેઝર (૫% થી શૂન્ય)
ખેડૂતોને રાહત: ટ્રેક્ટર (૧૨% થી ૫%), ટ્રેક્ટર ટાયર-ભાગો (૧૮% થી ૫%), જંતુનાશકો અને સૂક્ષ્મ પોષકતત્ત્વો (૧૨% થી ૫%), ખેતી મશીનો (૧૨% થી ૫%)
વાહનો: પેટ્રોલ, LPG અને CNG કાર (૧૨૦૦ CC સુધી) અને ડીઝલ કાર (૧૫૦૦ CC સુધી) (૨૮% થી ૧૮%), થ્રી-વ્હીલર, ૩૫૦ CC સુધીની બાઇક, માલ વાહક વાહનો (૨૮% થી ૧૮%)
ઈલેક્ટ્રોનિક્સ: એર કંડિશનર, ૩૨ ઇંચથી મોટા ટીવી, મોનિટર, પ્રોજેક્ટર, ડીશ વોશિંગ મશીન (૨૮% થી ૧૮%)
શું થશે મોંઘું?
લક્ઝરી કાર અને બાઇક
તંબાકુ ઉત્પાદનો, સિગારેટ
ફાસ્ટફૂડ અને કોલ્ડ ડ્રિંક્સ
આ વસ્તુઓ પર હવે ૪૦%ના સ્પેશિયલ સ્લેબ હેઠળ ટેક્સ વસૂલાશે.

