ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ તા. ૧૭ સપ્ટેમ્બરથી લઈને ૩૧ ઓક્ટોબર સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજ શહેરમાં બસ પોર્ટની બહારના વિસ્તારમાં સફાઈ કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીશ્રીઓ અને નગરપાલિકા મુખ્ય અધિકારીશ્રી જીગર પટેલ સહિત સફાઈ કામદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. સ્થાનિક પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓએ સફાઈ કરીને રોડ રસ્તાઓ સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.
રસ્તાઓની સાફ સફાઈ કરીને જાહેર જનતાને સ્વચ્છતાનો સંદેશ આ સફાઈ અભિયાન અંતર્ગત આપવામાં આવ્યો હતો. ભુજ શહેરના બસપોર્ટની બહારના રોડ રસ્તાઓ, કચ્છ મ્યૂઝિયમથી લઈને બહુમાળી ભવન સહિતના ભુજ શહેરના રસ્તાઓની સાફ સફાઈની કામગીરી ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા આયોજિત સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા રેલી, નુક્કડ નાટક, વેસ્ટ ટુ આર્ટ, કલ્ચરલ ફેસ્ટ, કલા પ્રદર્શન, ગાયન, વોલ પેઇન્ટિંગ, સફાઈ કામદાર સુરક્ષા શિબિર, સરકારી કચેરીઓમાં સ્વચ્છતા સ્પર્ધાનું આયોજન, એવોર્ડ અને સન્માન સમારોહ વગેરે સ્વચ્છતા જાગૃતિ માટેની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત જાહેરસ્થળોની સફાઈ, પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને હાઈવેની સફાઈ, ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સફાઈ, વોટરબોડીઝ અને નાળાની સફાઈ, માર્કેટ અને વાણિજ્ય વિસ્તારોની સફાઈ સફાઈ આગામી દિવસોમાં આ અભિયાન અંતર્ગત કરવામાં આવશે.