રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી મુસાફરોને હૈદરાબાદની નવી ફ્લાઇટની સુવિધા મળવા જઈ રહી છે. રાજકોટ – અમદાવાદ હાઇવે પર ચોટીલા પાસે હિરાસરમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત છે. જ્યાંથી હાલ અને મુંબઈ અને દિલ્હી સહિતની 12 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. જોકે હવે આ ફ્લાઈટ વધીને 13 થશે. ઇન્ડિગો દ્વારા રાજકોટથી હૈદરાબાદની ફ્લાઈટ આગામી 16 સપ્ટેમ્બરથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરોને ફાયદો થશે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આગામી 16 મી સપ્ટેમ્બરથી ઈન્ડિગો દ્વારા રાજકોટથી હૈદરાબાદની ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે. આ ફ્લાઇટ દૈનીક હશે જે દરરોજ 14.25 વાગ્યે રાજકોટથી ટેક ઑફ થશે અને 16.05 વાગ્યે હૈદરાબાદ પહોંચશે. જે ફ્લાઇટ દરરોજ 12.10 વાગ્યે હૈદરાબાદ થી રવાના થશે અને 13.55 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ફ્લાઈટ દૈનિક હોવાથી સામાન્ય મુસાફરો તેમ જ બિઝનેસ ક્લાસમાં આવતા વેપારીઓને ફાયદો થશે. રાજકોટનાં જૂના એરપોર્ટ પરથી જૂજ ફ્લાઇટ ઉડાન ભરી રહી હતી. જોકે હવે ફલાઇટની ઉડાન વધતા મુસાફરોને ફાયદો થયો છે. જોકે રાજકોટ શહેરથી હિરાસરમાં સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ 36 કિલોમીટર દૂર હોવાથી મુશ્કેલી પડી રહી છે.
હૈદરાબાદની નવી ફ્લાઈટ શરૂ થતા ની સાથે જ ઇન્ડિગોની 9 ફ્લાઇટ ઉડાન ભરશે. જે હાલ 8 છે. હાલ ઇન્ડિગો દ્વારા મુંબઇની 3, દિલ્હીની 1, મોપા એટ્લે કે ગોવા, પુને, બેંગ્લોર અને અમદાવાદની 1 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. જેમાં ગોવાની ફ્લાઇટ અઠવાડિયામાં 3 દિવસ તો અમદાવાદની ફ્લાઇટ અઠવાડિયામાં 6 દિવસ ઉડાન ભરી રહી છે. આ ઉપરાંત હાલ એર ઇન્ડિયાની મુંબઇની 2 અને દિલ્હીની 1 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. જે દૈનીક છે. જ્યારે સુરત માટે વિસ્તારાનું 9 સીટર ચાર્ટર વિમાન ઉડાન ભરી રહ્યુ છે. જે પણ દૈનીક છે.