નવા વર્ષના પહેલા દિવસે જાપાનથી એક ચિંતાજનક સમાચાર મળ્યા છે. જાપાનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે, જેના કારણે જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.પશ્ચિમી જાપાનના ઈશિકાવા પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જાપાનના NHK બ્રોડકાસ્ટરે જણાવ્યું હતું કે જાપાનના સમુદ્રકિનારે નિગાટા, તોયામા, યામાગાટા, ફુકુઇ અને હ્યોગો પ્રાંતમાં પણ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જાપાનમાં ભૂકંપના કેન્દ્રની નજીકના તમામ મુખ્ય હાઇવે બંધ કરી દેવામાં આવ્યા છે, જોકે હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપ ઈશિકાવા પ્રાંતના અનામિઝુ શહેરમાં આવ્યો હતો. તેનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિલોમીટર નીચે હતું. ભારતીય સમય અનુસાર બપોરે 12:40 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની 8 મિનિટ બાદ 6.2ની તીવ્રતાનો પ્રથમ આફ્ટરશોક નોંધાયો હતો. આ પછી 5.2ની તીવ્રતાનો બીજો આફ્ટરશોક નોંધાયો હતો. 4ની તીવ્રતાના 21 આફ્ટરશોક નોંધાયા છે.
