ભુજ,
કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ માંડવી પ્રાંત અધિકારીશ્રી અર્શ હાશ્મી, મામલતદારશ્રી વિનોદ ગોકલાણી, માંડવી નગરપાલિકા અને પીજીવીસીએલની ટીમ દ્વારા સંયુક્ત રીતે માંડવી બીચ ખાતે સરકારી જમીન ઉપર આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા વહીવટીતંત્રે આજ વહેલી સવારથી ૧૨ જેટલા કન્ટેનર તથા ૧૩૭ જેટલા નાના-મોટા દુકાનો લારી ગલ્લા વોટર સ્પોર્ટ્સને લગતી દબાણ દૂર કરવાની કાર્યવાહી આરંભી હતી. પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડિયાની આગેવાની હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ કાર્યવાહીમાં કોઈ અણ બનાવ ન બને તેમજ ઇલેક્ટ્રિસિટીનો અકસ્માત ન બને તે માટે સૌપ્રથમ વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે.
દબાણકર્તાઓની ચીજ વસ્તુનું નુકસાન ન થાય તે માટે અગાઉથી ત્રણ દિવસ પહેલા મામલતદારશ્રીની ટીમ દ્વારા રૂબરૂ જઈને દબાણ દૂર કરવા બાબતથી વાકેફ કરવામાં આવ્યા હતા તથા ઓટોરિક્ષામાં તે બાબતનું લાઉડ સ્પીકર દ્વારા એનાઉન્સ કરવામાં આવ્યું હતું.