૭૪માં વન મહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણી મંગવાણા ખાતે કરાઈ

કચ્છ વન વર્તુળ ભુજ દ્વારા આયોજિત જિલ્લાકક્ષાના ૭૪માં વન મહોત્સવની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાના અધ્યક્ષસ્થાને તથા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાના અતિથિ વિશેષપદે શ્રી મહાત્મા ગાંધી આશ્રમ શાળા મંગવાણા ખાતે કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ આજના સમયમાં વૃક્ષોની મહત્તા તથા મહિમા વર્ણવીને લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા જણાવ્યું હતું. તેમણે પ્રદૂષણ ઘટાડવા તથા કુદરતમાં સંતુલન સાધવા વૃક્ષારોપણ પર ભાર મુકયો હતો.આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ ભુજીયાની જેમ જ નનામા ડુંગરનો વિકાસ કરીને પર્યટકો માટે રમણીય સ્થાન ઉભું કરાશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
તેમણે વનવિભાગ શાળાના બાળકો માટે ટ્રેકિંગ સ્પર્ધા યોજે તેવું સૂચન કર્યું હતું. તે સાથે જ તેમણે જનસુખાકારી માટે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી અમલી કરાયેલી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની યોજનાઓ અંગે લોકોને જાણકારી આપી હતી. આ યોજનાનો મહત્તમ લાભ લેવા સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો.અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ વન ખાતાને કચ્છના વાતાવરણને અનુકૂળ તથા અહીંની ઓળખ તથા મિલ્કત સમાન દેશી બાવળ, પીલું, લીયારા, ગાંગરી,ખેર, રોયડો વગેરે જેવા વૃક્ષોના રોપા ઉછેર કરીને તેનું જંગલમાં પ્રમાણ વધે તે દિશામાં કામગીરી કરવા સૂચન કર્યું હતું. ધારાસભ્યશ્રીએ વનવિભાગની કામગીરીને બિરદાવી હતી.
આ પ્રસંગે કચ્છ વન વર્તુળના મુખ્ય વનસંરક્ષકશ્રી સંદિપકુમારે કચ્છવાસીઓના પર્યાવરણના જતન માટેના પ્રેમને બિરદાવ્યો હતો. તેમણે વનવિભાગ તરફથી પર્યાવરણના જતનમાં જરૂરી તમામ સહયોગ લોકોને આપવામાં આવશે તેવી ખાત્રી સાથે કચ્છના વાતાવરણને અનુકૂળ તથા અહીંની સંપદા સમાન દેશી વૃક્ષોની વાવણી, જતન માટે વનવિભાગ કામગીરી કરશે તેમ જણાવ્યું હતું.કાર્યક્રમમાં લાભાર્થીઓને નિર્ધૂમ ચુલાનું વિતરણ તેમજ પર્યાવરણના જતન માટે કામગીરી કરનાર કંપનીઓ, સંસ્થાઓ તેમજ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે નોંધપાત્ર કામગીરી કરનાર વનવિભાગના સંનિષ્ઠ કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી જયસુખ પટેલ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી જયાબેન પટેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી લીલાબેન મહેશ્વરી, સરપંચશ્રી અરૂણાબેન ગોસ્વામી, ધમેન્દ્રગીરી ગોસ્વામી, દિલીપભાઇ, સામાજિક વનીકરણ નાયબ વન સંરક્ષક શ્રી હરેશ મકવાણા, પશ્ચિમ કચ્છ નાયબ‌ વન સંરક્ષક શ્રી યુવરાજસિંહ ઝાલા, પૂર્વ કચ્છ નાયબ વન સંરક્ષક શ્રી ગોવિંદ સરવૈયા, મામલતદારશ્રી એફ.ડી.ચૌધરી, ટીડીઓશ્રી દિક્ષિત ઠક્કર, નખત્રાણા પી.આઇશ્રી ઠુમર, શાળા આચાર્યશ્રી રાજેશ ભાભોર સહિતના અધિકારીઓ, આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

ખાવડાથી 21 કિલોમીટર દૂર 2.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

સરહદી કચ્છ જિલ્લામાં આફ્ટર શોકનો સીલસીલો સતત યથાવત રહ્યો છે. છેલ્લી બે સદીમાં અનેક મોટા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »