ભારતીય હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા “બિપરજોય” અંગે આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડું કચ્છ જિલ્લાના જખૌ બંદર વિસ્તારમાં ત્રાટકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે રાહત બચાવ, સ્થળાંતરની કામગીરી કરી રહ્યું છે. કચ્છ જિલ્લામાં તૈયારીઓની સમીક્ષા કરવા પધારેલા આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ કચ્છની સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓ સાથે બેઠક યોજી હતી.આરોગ્યમંત્રીશ્રીએ આ બેઠક દરમિયાન તમામ સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓના પ્રતિનિધિશ્રીઓને આવકાર આપીને જણાવ્યું હતું કે, અનેક આપદાઓમાં સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓએ રાહત બચાવની ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. કચ્છ જિલ્લા ઉપર વાવાઝોડાનું સંકટ તોળાયું છે ત્યારે એકબીજાના સહકારથી જ આ આફતમાંથી બહાર આવી શકાશે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે પણ રાહત બચાવની મશીનરી સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ કરાવવી, ફૂડ પેકેટ બનાવવા, પાણીની વિતરણ વ્યવસ્થામાં મદદ કરવી જેવી બાબતોમાં સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓનો સહયોગ અપેક્ષિત છે.આ તકે કચ્છ જિલ્લાના વિવિધ સંસ્થાઓ અને એનજીઓનો પ્રતિનિધિશ્રીઓએ મંત્રીશ્રીને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ આફતની કોઈપણ પરિસ્થિતિમાં સરકારી તંત્રને સહકાર આપીને કામગીરી કરવા તૈયાર છે. ફૂડ પેકેટ બનાવવાની કામગીરી હોય કે પછી રાહત બચાવમાં યાંત્રિક મશીનરીની જરૂરિયાત હોય કચ્છની સંસ્થાઓ અને એનજીઓ તમામ સહયોગ આપશે. સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓ પાસેથી મદદથી ખાતરી બાદ આભાર માનીને મંત્રીશ્રીઓએ જિલ્લા વહીવટીતંત્રને એક્શન પ્લાન બનાવી કેવી રીતે આ સંસ્થાઓની મદદ લઈ શકાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત એક નોડલ અધિકારીશ્રીની નિમણૂક કરીને સેવાભાવી સંસ્થાઓ સાથે સતત સંપર્કમાં રહીને કામગીરી કરવા સૂચન કર્યું હતું.આ બેઠકમાં ધારાસભ્યો સર્વેશ્રી કેશુભાઈ પટેલ, પદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધભાઈ દવે, કચ્છ કલેક્ટરશ્રી અમિત અરોરા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી ડૉ. કરણરાજ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, સ્ટેમ્પ ડ્યૂટી ડે. કલેક્ટરશ્રી આર.કે.ઓઝા, સેવાભાવી સંસ્થાઓનો પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Check Also
જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષ પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિ
આજરોજ રવિવારના દિવસે પોલિયો અભિયાન અંતર્ગત ભુજ શહેરમાં જ્યુબિલી સર્કલ તથા બસ સ્ટેન્ડ ખાતે ધારાસભ્યશ્રી …