ઈન્ડોનેશિયામાં કારમાં કિસ કરી રહેલા એક કપલને 21 કોરડા ફટકારવાની સજા અપાઈ છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર જ્યારે આ કપલને જાહેરમાં કોરડા ફટકારવામાં આવ્યા હતા ત્યારે લોકો ભેગા થઈને તે જોઈ રહ્યા છે.
સજા દરમિયાન દર્દ સહન નહી થવાથી યુવતી જમીન પર પડી ગઈ હતી અને બેહોશ થઈ ગઈ હતી. પહેલા તો આ કપલને 25 કોરડા ફટકારવાનુ નક્કી થયુ હતુ પણ તેમને 21 કોરડા માર્યા બાદ છોડી મુકવામાં આવ્યા હતા. સ્થાનિક સત્તાધીશોનુ કહેવુ છે કે, આ કપલે ઈસ્લામિક અપરાધિક કાયદાનુ ઉલ્લંઘન કર્યુ હતુ અને તેઓ કાર પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં એક બીજાને કિસ કરતા નજરે પડ્યા હતા.પોલીસની નજર તેમના પર પડી હતી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
ઈન્ડોનેશિયામાં અપરણિત યુવાઓ માટે આકરા કાયદા છે. લગ્ન કર્યા વગર કિસ કરવી અથવા શારીરિક સબંધ બાંધવા સામે આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે. ઈન્ડોનેશિયા એક ઈસ્લામિક દેશ છે અને અહીંની 90 ટકા વસતી મુસ્લિમોની છે.