ભુજ, મંગળવાર
જિલ્લા કલેક્ટર શ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને મુન્દ્રા તાલુકાના પ્રાગપર -૧ ગામે રાત્રિ સભાનું આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આ રાત્રિ સભામાં કલેક્ટરશ્રીએ ગામના વિવિધ વણઉકેલાયેલા પ્રશ્નો ગ્રામજનો પાસેથી સાંભળીને તેનું ઝડપથી નિરાકરણ લાવવા ખાતરી આપી હતી.
પ્રાગપર -૧ ગામની રાત્રિ સભામાં ગ્રામજનોએ રોડ રસ્તા, પાણીની ટાંકી, નેશનલ હાઈવે પર લાઈટની મરમ્મત, માધ્યમિક શાળા, બીપીએલમાં સમાવેશ, એસટી બસની સુવિધા, પ્લોટ ફાળવણી વગેરે પ્રશ્નોની રજૂઆત કલેક્ટરશ્રી સમક્ષ કરી હતી. કલેક્ટરશ્રીએ આ તમામ પ્રશ્નોનું નિવારણ લાવવા ગ્રામજનોને ખાતરી આપી હતી. આ પ્રસંગે ગ્રામજનોએ ઉમકળાભેર કલેકટરશ્રીનું સ્વાગત કર્યું હતું.
રાત્રિ સભા દરમિયાન પ્રાંત અધિકારીશ્રી ચેતન મિસણ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આસ્થા સોલંકી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કે.ઓ.વાઘેલા, મામલતદાર શ્રી વી.એ.પટેલ, સરપંચ શ્રી હરશીભાઈ, તલાટીશ્રી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.