ગણેશજીની પ્રતિમાને 13 કિલો ચાંદી અને 15 ગ્રામ સોનાના આભૂષણનો શણગાર

by mahi
0 comments
ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લાના 5,000 થી વધુ સ્થળોએ મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. ભક્તો દસ દિવસ સુધી પૂજન, અર્ચન અને આરતી કરીને શ્રીજીની સેવા કરી રહ્યા છે. નવસારી જિલ્લા સહિત તાલુકામાં જુદી જુદી થીમ પર ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે, જે વિવિધ સંદેશાઓ આપતી હોય છે.
નવસારીમાં ગણેશ ઉત્સવ દરમિયાન દક્ષિણા અને દાનની મોટી રકમ એકત્ર થાય છે, પરંતુ તે રકમનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેનો એક ઉત્તમ ઉદાહરણ એક મંડળે પૂરું પાડ્યું છે. અત્યારે નવસારીના દસ્તુરવાડમાં બાપાની પ્રતિમાને 13 કિલો ચાંદી અને 15 ગ્રામ સોનાના દાગીનાથી શણગાર કરવામાં આવ્યો છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
દસ્તુરવાડ વિસ્તારમાં છેલ્લા 36 વર્ષથી ગણેશ સ્થાપના કરવામાં આવે છે. છેલ્લા 15 વર્ષથી આ વિસ્તારમાં સ્થાપિત ગણેશજીની પ્રતિમાને ચાંદી અને સોનાના દાગીના ચડાવવામાં આવે છે. નવસારીના દસ્તુરવાડમાં બાપાની પ્રતિમાને 13 કિલો ચાંદી અને 15 ગ્રામ સોનાના દાગીનાથી શણગાર કરવામાં આવ્યો છે, જેની શરૂઆત એક હારથી થઈ હતી. આજે તમામ દાગીના તેમજ બાપાના હાથમાં રહેલા હથિયાર ચાંદીના છે. બાપાના મસ્તકે સોનાનો તિલક શોભે છે. દર વર્ષે ચાંદી અને સોનામાં વધારો કરવામાં આવે છે, જે સોસાયટી અને મંડપના લોકો સાથે તેમજ બહારથી આવતા દાનમાંથી કરવામાં આવે છે. આ ઉપરાંત દર વર્ષે દસ્તુરવાડમાં માનતાની મૂર્તિઓ પણ મૂકવામાં આવે છે. આ વર્ષે કુલ 55 માનતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.
દર વર્ષે બાપાની પ્રતિમામાં કોઈ ફેરફાર કરવામાં નથી આવતો, પરંતુ સિંહાસન દર વર્ષે નવી થીમથી બનાવવામાં આવે છે. ગત વર્ષે વિષ્ણુજીના દશાવતારનું સિંહાસન હતું અને આ વર્ષે આકર્ષક પતંગિયાના સિંહાસન ઉપર બિરાજમાન છે. શ્રીજીની મૂર્તિમાં કયા ભાગોમાં ઘરેણાં મૂકવામાં આવ્યા છે? દસ્તુરવાડમાં સ્થાપિત ગણેશજીની મૂર્તિમાં બાપાના મુકુટ, હાથ, પગ, હાર, બાજુબંધ, કડા, હથિયાર, કંદોરો, દાંત અને તિલક સોનાના છે. તેવી જ રીતે મંગલમૂર્તિ નાની છે અને તેમાં પણ સોનાનો તિલક છે. છેલ્લા 36 વર્ષથી ભક્તોમાં આસ્થા વધી છે અને તેઓ તન, મન, ધનથી સેવા કરે છે.

You may also like

Leave a Comment