કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવલા નોરતામાં માતાના મઢ ખાતે દેશદેવી મા આશાપુરાના દર્શનાર્થે પધાર્યા હતાં. કચ્છની કુળદેવીના મંદિરમાં મુખ્યમંત્રીશ્રીએ માતાજીના શરણે શીશ નમાવી વિશ્વ શાંતિ સાથે જન સુખાકારીની કામના કરી હતી.
ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છ જિલ્લાના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત તથા કચ્છના માંડવી પાસે ક્રાંતિવીરશ્રી શ્યામજી કૃષ્ણ વર્માની સ્મૃતિમાં બનાવવામાં આવેલા ક્રાંતિતીર્થના નવીનીકરણના લોકાર્પણ અર્થે કચ્છમાં પધાર્યા છે. કચ્છની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ નવરાત્રીના પાવન પર્વે માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મા આશાપુરાના શરણે શીશ ઝુકાવી મુખ્યમંત્રીશ્રીએ વિશ્વ શાંતિ અને જન કલ્યાણની સાથે સૌની સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.
મંદિર ખાતે મુખ્યમંત્રીશ્રીએ રાજાબાવાની શુભેચ્છા મુલાકાત કરી હતી. માતાના મઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી સર્વશ્રી ખેંગારજી જાડેજા, પ્રવિણસિંહ વાઢેર, ચત્રામજીભાઈ કટારીયા, પ્રતાપભાઈ આશર, મયુરસિંહ જાડેજા, ગજુભા ચૌહાણ, સિધ્ધરાજસિંહ ચૌહાણ, અશોકસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, મૂળશંકર વાસુ સહિતનાએ મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યું સ્વાગત કરી કચ્છની માતાના મઢની પાવન ભૂમિ પર આવકાર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી માતાના મઢ હેલિપેડ ખાતે પધાર્યા ત્યારે માતાના મઢની મંગલકારી માટી પર સાંસદશ્રી વિનોદ ચાવડા, અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અગ્રણી સર્વશ્રી વેસલજી તુંવર, જશુભા જાડેજા, હઠુભા સોઢા, રાજુભાઈ સરદાર, દિનેશભાઈ સથવારા, ખેંગારભાઈ રબારી અને રમેશભાઈ મહારાજ સહિતના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.