ભુજ ખાતે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મહિલા ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ કર્યો

આજરોજ ભુજ ખાતે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મહિલા ખેડૂતો, યોગ શિક્ષકો તથા શાળા શિક્ષકો તથા સખીમંડળની બહેનો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ કરીને સમગ્ર કચ્છમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ ફેલાવવા તથા મહિલા કિસાનોને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાજયપાલ દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રકૃતિના બચાવ તથા આવનારી પેઢીને સ્વસ્થ અને સમૃધ્ધ બનાવવા રાસાયણીક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી એકમાત્ર ઇલાજ છે. તેમણે કચ્છમાં અત્યાસુધી ૪૪ હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા હોવાથી અભિનંદન આપતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી ઝીરો બજેટ ખેતી છે. તેનાથી જમીન ફળદ્રુપ બનતી હોવા સાથે પાણીની ખપત ઘટે છે અને ઉત્પાદન સમય સાથે વધે છે. તેમણે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર રાસાયણીક ખેતી તથા જૈવિક ખેતી ત્યજીને પર્યાવરણ તથા લોકોના આરોગ્ય માટે પ્રાકૃતિક ખેતીનો મહિમા વર્ણવ્યો હતો.
રાજયપાલજીએ જણાવ્યું હતું કે, ધરતીનું વધતા જતા તાપમાનના કારણે ખેતીની પૈદાવારને અસર થઇ રહી છે. ત્યારે આ તાપમાનના વધારામાં ૨૪ ટકા ફાળો રાસાયણીક ખેતી તથા જૈવિક ખેતીનો છે. હવામાનમાં વધતા જતાં પ્રદુષણને ઓછું કરવા જલવાયુને સ્વચ્છ રાખવા આજના સમયની માંગ પ્રાકૃતિક ખેતી હોવાનું કહી વધુમાં પ્રાકૃતિક ખેતીમાં અળસિયાના ફાયદા તથા તેનાથી પર્યાવરણ તથા જમીનને થતાં ફાયદા વિશે ખેડૂતોને માહિતી આપી હતી.
કાર્યક્રમમાં રાજયપાલજીએ પ્રાકૃતિક ખેતીના સ્વાનુભવ વર્ણવીને તે અંગેની સફળ ફિલ્મ પણ ઉપસ્થિતો સમક્ષ રજૂ કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ડીએપી તથા યુરિયા થકી પેદા થતા ઝેરી વાયુ પર્યાવરણમાં ભળીને ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરી રહ્યા છે. ત્યારે દરેક સામાન્ય નાગરિકે પણ આ વાયુની અસર ઓછી કરવા સારા પ્રસંગોએ વૃક્ષારોપણ કરીને તેનો ઉછેર કરવા અનુરોધ કર્યો હતો.
મહિલા ખેડૂતોને આ પ્રસંગે રાજયપાલજીએ પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવાતા જીવામૃત,ઘન જીવામૃત, નિમાસ્ત્ર વગેરે અંગે માહિતી આપીને ગૌ પાલનનું મહત્વ સમજાવ્યું હતું.
તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીને ફળદાયી કરવા માટે તેના જરૂરી પાંચ આયામને અનુસરીને ખેતી કરવા તથા સાથે જ મલ્ટીક્રોપ વધારવા અપીલ કરી હતી. વધુમાં તાજેતરમાં વૈજ્ઞાનિક સંશોધન મુજબ હાઇબ્રિડ બીજ તથા રાસાયણિક ખેતી થકી ખેતી ઉત્પાદનમાં ૪૫ ટકા પોષકતત્વો ખત્મ થઇ ગયા છે. તેમજ જો આમ ચાલુ રહ્યું તો આવનારા ૪૦ વર્ષમાં જમીન બિન ઉપજાઉ બની જશે તેવો ભય છે. ત્યારે જમીનને ફળદ્રુપ તથા તેમાં સુક્ષ્મજીવોનું પ્રમાણ વધારવા પ્રાકૃતિક ખેતી તરફ વળી જીવનલેવાવાળા નહીં પરંતુ જીવનદાતા બનવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.
આજના સમયમાં રાસાયણિક ખાતરોના વધતા જતાં પ્રમાણ સાથે કેન્સર જેવા રોગમાં પણ ઉછાળો આવ્યો છે ત્યારે ઉપસ્થિત મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ લેવા સાથે આ ખેતી અંગે જાણકારી મેળવવા પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત લઇને પ્રેરણા તથા માહિતી મેળવવા ખાસ ભાર મુકયો હતો.
કાર્યક્રમના પ્રારંભે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યુ હતું .
આ પ્રસંગે ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઇ વરસાણી, ર્નિદેશકશ્રી, સમિતી ઔર રાજય નોડેલ અધિકારીશ્રી આત્મા ગાંધીનગરના પી.એસ.રબારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, અધિક કલેકટરશ્રી મિતેશ પંડયા તથા સંબંધિત સરકારી વિભાગના અધિકારીશ્રી, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો,યોગ શિક્ષકો, શાળા શિક્ષકો તથા સખીમંડળની બહેનો હાજર રહી હતી.

About JAYENDRA UPADHYAY

Check Also

ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?