ભુજ તાલુકાના ઝીંકડી ગામે પ્રાથમિક શાળા ખાતે અંજાર ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્યશ્રી સાથે ઉપસ્થિત સૌ મહાનુભાવો સહિત ગ્રામજનોએ મુખ્યમંત્રીશ્રીના લાભાર્થીઓ સાથેના સંવાદનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ પ્રસંગે અંજાર ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે સરકારશ્રીના માધ્યમથી ઝીંકડી ગામે પહોંચી છે. સરકારશ્રીની યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા મારફતે પહોંચ્યો છે. વડાપ્રધાનશ્રીએ રસીથી લઈને રાશન સુધીની સુવિધાઓ નાગરિકોને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી છે. આરોગ્યથી અનાજ સુધી અનેકવિધ કલ્યાણકારીઓનો લાભ લેવા ધારાસભ્યશ્રીએ અપીલ કરી હતી.
જિલ્લા પંચાયત સદસ્યશ્રી દામજીભાઈ ચાડે સરકારશ્રીની યોજનાઓનો લાભ લઇને અન્ય નાગરિકોને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું મહત્વ સમજાવીને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. સરકારશ્રીના માર્ગદર્શનમાં કચ્છ જિલ્લા વહીવટીતંત્ર વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નાગરિકો સુધી પહોંચ્યું છે જેનો લાભ લેવા શ્રી પ્રજાપતિએ જણાવ્યું હતું.
તાલુકા હેલ્થ ઓફિસરશ્રી કેશવકુમાર સિંઘે પ્રાસંગિક પ્રવચન દરમિયાન ગ્રામજનોને સરકારશ્રીની આરોગ્ય વિભાગની યોજનાઓ વિશે જાણકારી આપીને આયુષ્માન કાર્ડ બનાવવા અપીલ કરી હતી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને ગ્રામજનો દ્વારા હર્ષભેર આવકાર આપવામાં આવ્યો હતો. ધારાસભ્યશ્રી સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં રથનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ઝીંકડી ગામની પ્રા.શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને કચ્છી સંસ્કૃતિ મુજબ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત શાળાના મુખ્ય શિક્ષક શ્રી ગૌતમભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સરકારશ્રીની યોજનાઓ જેવી કે આયુષ્માનકાર્ડથી થતા લાભો તેમજ ખેતી વિષયક યોજના વિષેની માહિતી આપવામાં આવી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે હર ઘર જલ યોજના અને ઝીંકડી ગામ ઓ.ડી.એફ. પ્લસ જાહેર થયું હોવાથી સરપંચશ્રીને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
ગ્રામજનોએ “ વિકસિત ભારત સંકલ્પ યાત્રા “ પ્રધાનમંત્રીશ્રીનો રેકોર્ડેડ વીડિયો સંદેશ નિહાળ્યો હતો. મેરી કહાની મેરી ઝુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓના લાભ અંગે પોતાના પ્રતિભાવ આપીને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. સરકારશ્રીની વિવિધ યોજના જેવી કે પી.એમ.ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કીટ, એન.એફ.એસ.એ કાર્ડ, આંબેડકર આવાસ યોજનાના લાભાર્થીને મકાન સહાય, સખી મંડળ ગ્રુપને પ્રશસ્તિ પત્ર, આયુષ્માન કાર્ડ વગેરે લાભો લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોએ વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ લીધા હતા.
આ પ્રસંગે ગામના સરપંચશ્રી વાલજીભાઈ બતા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી લક્ષ્મણભાઈ બતા, માજી સરપંચશ્રી નારણભાઈ, ગામના આગેવાન સર્વેશ્રી રમેશભાઈ કેરાસિયા, શ્રી કે.પી.આહિર, શ્રી નારણભાઈ ગાગલ, શ્રી શામજીભાઈ ગાગલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જી. રાજપૂત, તાલુકા વિકાસ અધિકારીશ્રી વજેસિંગ પરમાર, મદદનીશ ખેતી નિયામકશ્રી કે.બી.પટેલ સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.