રાજકોટમાં આજે ગાંધી જયંતિના દિવસે શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે આંદોલન શરૂ કરાયું છે. ગુજરાત પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ સંઘ, રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ, સહિતના વિવિધ મંડળો સાથે જોડાયેલા શિક્ષકો હોસ્પિટલ ચોક ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા.
શિક્ષકો દ્વારા વિવિધ બેનરો સાથે અગાઉ અમલમાં હતી તે જૂની પેન્શન યોજનાને ફરીથી લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર તેમજ માટીનું તિલક કર્યું બાદમાં હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને શિક્ષકો દ્વારા વિવિધ બેનરો સાથે રેલી યોજી સૂત્રોચ્ચાર કરાયા હતા. તેમજ આગામી દિવસોમાં કરવામાં આવનારા કાર્યક્રમો અંગે જાણકારી આપી હતી.આ અંગે રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘનાં સંગઠન મંત્રી પરેશ પટેલે જણાવ્યું હતું કે, આજે ગાંધી જયંતિ નિમિતે જૂની પેન્શન યોજનાની માગ સાથે શિક્ષકો એકત્ર થયા છે અને નજીકના પરિસરોની સફાઈ કરવામાં આવી છે. સાથે જ માટીનું તિલક કરી આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ સાથે સંયુક્ત મોરચો અને ઉત્કર્ષ મંડળનાં શિક્ષકો જોડાયા છે. છેલ્લા એક વર્ષથી અમે આ માટેની માંગ કરી રહ્યા છીએ, ત્યારે આ ગાંધીજીની જન્મજયંતિ દિવસે અમારી માગ ફરી એકવાર સરકાર સમક્ષ મૂકીએ છીએ.