અમદાવાદના ઘાટલોડિયામાં કેલોરેક્ષ સ્કૂલમાં નમાઝ અદા કરવા મામલે એબીવીપીના કાર્યકરો અને હિન્દુ સંગઠનો સ્કૂલે પહોંચ્યા હતાં. જ્યાં પ્રિન્સિપાલ ઓફિસમાં બેસી હનુમાન ચાલીસા કરી હતી અને રામધૂન બોલાવી હતી. બાદમાં સ્કૂલે સ્કૂલના લેટરપેડ પર લેખિતમાં માફી માગી લીધી હતી. જેમાં જણાવ્યું હતું કે, નમાઝનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વાલીઓની રજૂઆત બાદ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. કેલોરેક્ષ સ્કૂલ ભવિષ્યાં આવી ભૂલ કરશે નહીં. જોકે મામલો બગડ્યો હતો અને ટોળાએ ‘જય શ્રીરામ’ના નારા બોલી મ્યુઝિક શિક્ષકને દોડાવી દોડાવીને માર માર્યો હતો. જે દૃશ્યો વીડિયોમાં કેદ થયાં છે. આ અંગે ઘાટલોડિયા પીઆઈ અને પોલીસની ટીમે સ્કૂલે પહોંચી તપાસ હાથ ધરી છે.અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે સ્કૂલને કારણદર્શક નોટિસ પાઠવી છે. જેમાં જણાવ્યું છે કે, આપની શાળાનો આજરોજ વાઈરલ થયેલ વીડિયોમાં જે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડતો હોઈ બાળકોના માનસ પર વિપરિત અસર થઈ શકે છે. જે બદલ આપ શું કહેવા માગો છો? તે અંગેનો લેખિત ખુલાસો આજે 5 વાગ્યા સુધીમાં કરવા સૂચિત કરવામાં આવે છે.અમદાવાદની કેલોરેક્ષ સ્કૂલમાં માથાકૂટ મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે, ધાર્મિક શિક્ષણ પર નહીં પરંતુ હકીકતમાં જે શિક્ષણ આપવાનું હોય તેના પર ધ્યાન આપો. ડીઈઓ સાથે ચર્ચા કરી છે કે, જે કાર્યવાહી કરવાની થાય એ કરો.
બધાની વાત માનીને વીડિયો પણ ડિલીટ કરી દીધો
સ્કૂલના પ્રિન્સિપાલ નિરાલી ડગલીએ જણાવ્યું હતું કે, આ મોટું આયોજન નહોતું, એક વિદ્યાર્થી મુસ્લિમ હતો જે RTE દ્વારા એડમિશન લઈને આવ્યો હતો, આ માટે અમે આયોજન કર્યું હતું. બાજુમાં ઊભેલાં બાળકો એક્ટિંગ કરે છે, તેઓ કંઈ બોલતા પણ નથી અને આવડતું નથી. અમે બાળકોને 2-૩ મિનિટ માટે સમજાવતા હતા. છતાં લોકોની લાગણી દુભાઈ હોય તો અમે માફી માગીએ છીએ. અમે માફીપત્ર પણ આપ્યો છે. અમે બધાની વાત માનીને વીડિયો પણ ડિલીટ કરી દીધો છે.